વોટિંગ પહેલાં ‘કેશ ફોર વોટ’ વિવાદઃ કોંગ્રેસે ચૂંટણી પંચ પર પણ ઉઠાવ્યા સવાલ

નવી દિલ્હીઃ કેરળ વિધાનસભા ચૂંટણી પહેલાં જ રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચ્યું છે. કોંગ્રેસના નેતા વી.ડી. સતીશને એક કથિત વિડિયો જાહેર કરીને મોટો આરોપ લગાવ્યો છે કે ભાજપના કાર્યકરો મતને બદલે પૈસા વહેંચી રહ્યા છે. તેમના કહેવા મુજબ વિડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે એક વૃદ્ધ મહિલાને પૈસા આપવામાં આવી રહ્યા છે અને આ બધું પાર્ટીના ઉમેદવારની હાજરીમાં થઈ રહ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે આ મામલો માત્ર એક બેઠક સુધી સીમિત નથી, પરંતુ અનેક મતવિસ્તારોમાં મહિલાઓને પૈસા અને સાડીઓ વહેંચવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે કેરળમાં આ પહેલી વાર થઈ રહ્યું છે અને ભાજપ મતદારોને પ્રભાવિત કરવા માટે નવી રીત અપનાવી રહ્યો છે. તેમના મુજબ આ લોકશાહી પ્રક્રિયાને અસર કરવાનો ગંભીર પ્રયાસ છે, જેને અવગણવામાં આવી શકે નહીં.

કોંગ્રેસે આ મુદ્દે ચૂંટણી પંચ પાસે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માગ કરી છે. તેમણે ચેતવણી આપી હતી કે જો સંબંધિત અધિકારીઓ કાર્યવાહી નહીં કરે તો પાર્ટી કાનૂની માર્ગ અપનાવશે. તેમણે કહ્યું હતું કે ચૂંટણી પહેલાં આવી પ્રવૃત્તિઓ ચૂંટણીઆચાર સંહિતાનો ખુલ્લો ભંગ છે.

અલાપ્પુઝામાં કોંગ્રેસ સાંસદ કે.સી. વેણુગોપાલે પણ પલક્કડમાં પૈસા વહેંચવાના આરોપોને “ચોંકાવનારા” ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે મીડિયા રિપોર્ટ્સ અને વિડિયોમાં ઉમેદવારની ભૂમિકા શંકાસ્પદ દેખાઈ રહી છે. ચૂંટણી નિષ્પક્ષ રહે એ માટે તેમણે ચૂંટણી પંચ પાસે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માગ કરી છીએ.

કોંગ્રેસ-એલડીએફના આરોપો ખોટા: ભાજપનો જવાબ

એસ. સુરેશે કોંગ્રેસ અને એલડીએફના આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢતાં પલક્કડમાં ભાજપની જીતનો દાવો કર્યો. તેમણે કહ્યું હતું કે પલક્કડની જનતાએ નક્કી કરી લીધું છે કે અહીંથી ભાજપનો ધારાસભ્ય બનશે, તેથી કોંગ્રેસ ડરીને ભ્રામક નિવેદનો આપી રહી છે.

મહિલાઓને પૈસા વહેંચવાના આરોપો અંગે તેમણે કહ્યું હતું કે આ ગંભીર આરોપો નથી અને સંબંધિત મહિલાએ પોતે સ્પષ્ટ કર્યું છે કે ભાજપે કોઈ પૈસા આપ્યા નથી. તેમણે કોંગ્રેસ અને એલડીએફ પર હારના ભયથી ખોટી વાતો ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ વખતે પલક્કડમાં જીત નિશ્ચિત છે.