ડિજિટલ અરેસ્ટ ગેંગ સામે CBIના 16 રાજ્યોમાં દરોડાઃ બે આરોપીઓની ધરપકડ

નવી દિલ્હીઃ દેશભરમાં ઝડપથી વધી રહેલા ડિજિટલ અરેસ્ટ અને સાયબર ઠગાઈના કેસોમાં CBIએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. CBIએ એક સંગઠિત સાયબર ક્રાઇમ નેટવર્ક સામે કડક પગલાં લેતાં ઓપરેશન ચક્ર-VI હેઠળ 16 રાજ્યોમાં 80થી વધુ સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા હતા અને બે આરોપીઓની ધરપકડ કરી છે. તપાસ એજન્સીના જણાવ્યાનુસાર આ કાર્યવાહી ડિજિટલ અરેસ્ટને નામે લોકોને ડરાવીને છેતરપિંડી કરનાર એક મોટા ગેંગને નાબૂદ કરવા માટે કરવામાં આવી છે. આ ગેંગ દેશભરમાં નોંધાયેલા 200થી વધુ સાયબર ઠગાઈના કેસો સાથે સંકળાયેલો હોવાની શંકા છે.

Cybercrime.

CBIની 60 વિશેષ ટીમોની કાર્યવાહી

CBIની આશરે 60 વિશેષ ટીમોએ પંજાબ, ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર, હરિયાણા, મિલનાડુ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, આસામ, પશ્ચિમ બંગાળ, મણિપુર, કર્ણાટક અને ઓડિશા સહિતનાં રાજ્યોમાં એકસાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન ચેન્નઈ અને કોલકાતામાંથી ડિજિટલ અરેસ્ટ ગેંગ સાથે સંકળાયેલા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ઠગાઈની રકમને આ રીતે છુપાવતા હતા

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ શેલ કંપનીઓ બનાવી અને મ્યુલ બેંક ખાતાઓનો ઉપયોગ કરીને ઠગાઈથી મેળવેલી રકમને વિવિધ ખાતાઓમાં ટ્રાન્સફર કરતા હતા. તપાસ એજન્સીઓને અંદાજે  રૂ. 2 કરોડના શંકાસ્પદ નાણાકીય વ્યવહારોના પુરાવા મળ્યા છે.

સુપ્રીમ કોર્ટ જેવી નકલી વેબસાઇટ પણ બનાવી

આ કેસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. CBIએ તાજેતરમાં એવી નકલી વેબસાઇટ શોધી કાઢી હતી, જેની લિંક દેખાવમાં સુપ્રીમ કોર્ટની સત્તાવાર વેબસાઇટ જેવી જ લાગતી હતી. ઠગો આ નકલી વેબસાઇટનો ઉપયોગ કરીને લોકોને કાનૂની કાર્યવાહી અને ધરપકડનો ભય બતાવતા હતા. સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રી તરફથી ફરિયાદ મળ્યા બાદ CBIએ કેસ નોંધ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.

દરોડામાં શું મળ્યું?

દરોડા દરમિયાન CBIએ અનેક મોબાઇલ ફોન, લેપટોપ, ડિજિટલ ઉપકરણો, બેંક રેકોર્ડ્સ અને મહત્વપૂર્ણ દસ્તાવેજો જપ્ત કર્યા છે. જપ્ત કરાયેલી સામગ્રીની ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે. એજન્સીને એવા સંકેતો પણ મળ્યા છે કે આ નેટવર્ક માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિદેશી નાગરિકોને પણ નિશાન બનાવતું હતું. CBIએ જણાવ્યું છે કે કેસની તપાસ ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ ધરપકડો થવાની શક્યતા છે.