અમદાવાદઃ CDSL ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફંડે (CDSL IPFએ) તેનું નવું ઇન્વેસ્ટર અવેરનેસ પ્લેટફોર્મ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. 12 ભાષાઓમાં ઉપલબ્ધ આ એક વ્યાપક ઓનલાઇન સંસાધન છે. વેબસાઇટને સિક્યોરિટીઝ માર્કેટના ખ્યાલોને સરળ બનાવવા અને જવાબદાર રોકાણને પ્રોત્સાહિત કરવા માટે બનાવવામાં આવી છે. જેનું અનાવરણ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાનાં ચેરપર્સન તુહિન કાન્તા પાંડે દ્વારા 7 જુલાઈ, 2025એ CDSL અને NSDLની ઈન્વેસ્ટર એપમાં ઈ-વોટિંગ સિસ્ટમ માટે પ્રોક્સી એડવાઈઝર રેકમેન્ડેશનના લોન્ચિંગ પ્રસંગે કરવામાં આવ્યું હતું.
CDSL IPFની વેબસાઇટનું લોન્ચિંગ નાણાકીય સાક્ષરતા વધારવા અને રોકાણકારોની વધુ ભાગીદારીને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. જે શહેરી અને ગ્રામીણ બંને ક્ષેત્રોના સંભવિત રોકાણકારોથી લઈને પ્રથમ વખતના સહભાગીઓ સુધીના તમામ પ્રકારના રોકાણકારોને સેવા આપે છે. આજના રોકાણકારોની વિકસતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, વપરાશકર્તાઓ વિવિધ પ્રકારના ફોર્મેટની જાણકારી મેળવી શકે છે, જેમાં જાર્ગન-ફ્રી આર્ટિકલ્સ, લિસ્ટિકલ્સ અને ઇન્ફોગ્રાફિક્સનો સમાવેશ થાય છે.
પ્રારંભિક સ્તરે આ પ્લેટફોર્મ અંગ્રેજી, હિન્દી, આસામી, બંગાળી, ગુજરાતી, મરાઠી, કન્નડ, મલયાલમ, તમિલ, તેલુગુ, ઉડિયા, તેમ જ પંજાબી સહિત 12 વિવિધ ભાષાઓમાં સમૃદ્ધ અને વૈવિધ્યસભર સામગ્રીનો અનુભવ પૂરો પાડે છે, જેનાથી વિવિધ ભાષાકીય લોકો સુધી તેની પહોંચ અને જોડાણ શક્ય બને છે.
આ પ્રસંગે બોલતાં CDSL IPFની સેક્રેટરિયેટ સુધીશ પિલ્લાઇએ જણાવ્યું હતું કે અમારું માનવું છે કે સાચી નાણાકીય સર્વસમાવેશકતા માત્ર સુલભતા માટે જ નથી, તે જ્ઞાન દ્વારા સશક્તીકરણની બાબત છે. આ પહેલ રોકાણકારોનો વિશ્વાસ મજબૂત કરવાની સાથે-સાથે જ, સુમાહિતગાર નિર્ણય લેવાની પ્રક્રિયાને પ્રોત્સાહન આપે છે અને આત્મનિર્ભર રોકાણકારોના નિર્માણના વિઝન સાથે સુસંગત છે.
આ પ્લેટફોર્મ નિઃશુલ્ક ઉપલબ્ધ છે તથા તેને નવી સામગ્રી અને ઈન્સાઈટ સાથે નિયમિતપણે અપડેટ કરવામાં આવશે. રોકાણકારો સંસાધનોનો લાભ લેવા માટે www.cdslipf.com વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.
