નવી દિલ્હીઃ ઈરાન પર અમેરિકાના હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાન સાથેનો યુદ્ધવિરામ (સીઝફાયર) હવે ખતમ થઈ ગયું છે. જોકે વાતચીતની પ્રક્રિયા ચાલુ રહેશે. તેમણે તહેરાનમાં સત્તામાં રહેલી ઇસ્લામિક સરકારને “બીમાર લોકો દ્વારા સંચાલિત” ગણાવી હતી. ટ્રમ્પનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે અમેરિકી સેનાએ હોર્મુઝ જળમાર્ગ વિસ્તારમાં વ્યાવસાયિક જહાજો પર થયેલા હુમલાઓથી નારાજ થઈ ઈરાન પર હુમલા કર્યા હતા. બીજી તરફ ઈરાને પણ દાવો કર્યો છે કે તેણે કુવૈત અને બહેરિનમાં આવેલા અમેરિકી સેનાનાં 85 ઠેકાણાંઓને નિશાન બનાવ્યાં છે.
તેમણે કહ્યું હતું કે મને લાગે છે કે હવે આ બધું ખતમ થઈ ગયું છે. હું હવે તેમની સાથે કોઈ સોદો કરવા નથી માગતો. તેઓ ખરાબ લોકો છે, તેમનું નેતૃત્વ બીમાર લોકો કરી રહ્યા છે. હું મારા વાટાઘાટકારો સાથે વાત કરીશ. તેઓ વાટાઘાટ કરવા માગે છે અને તેઓ સારા લોકો છે,. પરંતુ તેમને ફરી મારી પાસે આવવું પડશે. જ્યાં સુધી મારી વાત છે, તેમની સાથે સોદો કરવો માત્ર સમયનો બગાડ છે. હાલમાં ટ્રમ્પ તુર્કીની રાજધાની અંકારામાં છે, જ્યાં તેઓ નાટો (NATO)ની શિખર બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. ત્યાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે ઈરાન સાથેનું યુદ્ધવિરામ હવે ખતમ થઈ ગયું છે કે નહીં, ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે મારા મતે તો તે ખતમ થયું છે. તેમણે ફરીથી જણાવ્યું હતું કે ઈરાન સાથે કોઈ કરાર કરવો માત્ર સમયનો બગાડ છે.
ઈરાનનો દાવો: બહેરિન અને કુવૈતમાં અમેરિકી સ્થાનોઓ પર હુમલો
ઈરાનના IRGC (Islamic Revolutionary Guard Corps)એ જણાવ્યું કે તેણે બહેરિન અને કુવૈતમાં આવેલા અમેરિકાનાં 85 સૈન્ય સ્થાનોને નિશાન બનાવ્યાં છે. IRGCએ આ કાર્યવાહી અમેરિકાની તરફથી યુદ્ધવિરામના ભંગના જવાબરૂપે કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

મંગળવાર અને બુધવારની મધરાત દરમિયાન હોર્મુઝ જળમાર્ગમાં ત્રણ તેલ ટેન્કરો પર ગોળાબાર થયા બાદ અમેરિકી સેનાએ ઈરાન પર નવા હુમલા કર્યા હતા. વોશિંગ્ટને તહેરાનને તેલ વેચવાની મંજૂરી આપતું લાઇસન્સ પણ રદ કરી દીધું, જેને કારણે પહેલેથી જ નાજુક બનેલા યુદ્ધવિરામ વચ્ચે પ્રાદેશિક તણાવ વધુ વધી ગયો છે. ઈરાને પણ કહ્યું છે કે તે સમાન રીતે જવાબ આપશે.




