અમદાવાદ: ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે રાજ્યના બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) સાથે સીધો અને જીવંત સંવાદ સાધ્યો હતો. ગુજરાત યુનિવર્સિટી સ્થિત અટલ કલામ હૉલ ખાતે ‘ઇન્ટરેક્શન વિથ બુથ લેવલ ઓફિસર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતની ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે દેશના બંધારણ, ચૂંટણી કાયદાઓ અને ચૂંટણી પંચના દિશાનિર્દેશો મુજબ જ હાથ ધરવામાં આવે છે. આ પ્રક્રિયાને જમીની સ્તરે સફળ બનાવવામાં BLOની ભૂમિકા સૌથી મહત્ત્વપૂર્ણ છે.
BLO પંચનું પ્રતિબિંબ અને લોકશાહીના પાયાના સ્તંભ
-
ચૂંટણી પંચનું પ્રત્યક્ષ સ્વરૂપ: મુખ્ય ચૂંટણી કમિશનરે BLOને ચૂંટણી પંચના પરિવારના સૌથી અગત્યના સભ્યો ગણાવ્યા હતા. તેમણે ઉમેર્યું કે જ્યારે પણ કોઈ BLO મતદારના ઘરે મુલાકાતે જાય છે કે ફોન પર સંપર્ક કરે છે, ત્યારે મતદાર માટે તે જ ચૂંટણી પંચનું સાચું પ્રતિબિંબ બને છે.
-
૯૦ કરોડ મતદારો અને ૧૧ લાખ BLOs: દેશના આશરે ૯૦ કરોડ મતદારોની અપેક્ષાઓ અને અધિકારોની સુરક્ષા માટે દેશભરમાં ૧૧ લાખથી વધુ BLOs રાત-દિવસ કાર્યરત છે. તેમની કામગીરીને વધુ સરળ અને સુદ્રઢ બનાવવા તાલીમ, સમીક્ષા બેઠકો અને ECI-Net જેવા ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

પારદર્શક ચૂંટણી પ્રક્રિયા: “રોલથી પોલ” સુધી
મુખ્ય ચૂંટણી કમિશનરે મતદાર યાદી તૈયાર કરવાથી લઈને મતદાન અને મતગણતરી સુધીના તમામ તબક્કે પારદર્શિતા જાળવવાની પ્રક્રિયા સ્પષ્ટ કરી હતી:
-
મતદાર યાદીની પુનરીક્ષણ પ્રક્રિયા (Special Intensive Revision – SIR) અંતર્ગત રાજકીય પક્ષો અને બૂથ લેવલ એજન્ટ્સ (BLAs)ની સહભાગીદારીથી યાદીની ચકાસણી થાય છે.
-
Absent (ગેરહાજર), Shifted (સ્થળાંતરિત), Dead (મૃત્યુ પામેલ), Duplicate (બેવડાયેલ) અને Foreigner (ASDDF) જેવા કિસ્સાઓની ચોકસાઈપૂર્વક ઓળખ કરી ૧૮ વર્ષ પૂર્ણ કરનાર તમામ પાત્ર નાગરિકોનું નામાંકન સુનિશ્ચિત કરવામાં આવે છે.
૨. મોક પોલ, EVM અને VVPATની ચકાસણી
-
મતદાન શરૂ થાય તે પહેલાં ઉમેદવારોના પોલિંગ એજન્ટ્સની હાજરીમાં મોક પોલ (Mock Poll) યોજીને EVM અને VVPATની ચકાસણી થાય છે.
મતદાન પૂર્ણ થયા બાદ એજન્ટ્સની સહી સાથે સીલિંગ પ્રક્રિયા પૂર્ણ કરાય છે અને મતગણતરી વખતે ફોર્મ 17C સાથે મતની સરખામણી કરવામાં આવે છે. આ બહુસ્તરીય ચકાસણી ભારતની ચૂંટણી પ્રક્રિયાને વિશ્વની સૌથી ભરોસાપાત્ર અને પારદર્શક બનાવે છે.
જ્ઞાનેશ કુમારે BLOsની નિષ્ઠા, મહેનત અને નિષ્પક્ષતાને બિરદાવતા કહ્યું હતું કે, “મતદાર યાદીમાં કોઈ ખામી રહે તો પરિવારના વડા તરીકે જવાબદારી મારી છે, પરંતુ યાદી યોગ્ય અને શુદ્ધ બને છે તેનો તમામ શ્રેય આપણા BLO ભાઈઓ અને બહેનોને જાય છે.” તેમણે BLOsને સતત સક્રિય રહીને પોતાના વિસ્તારના યુવાનોના નામ નોંધવા આહ્વાન કર્યું હતું.
કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી સંદીપ સાગળેએ દેશના સર્વોચ્ચ ચૂંટણી અધિકારી અને પાયાના BLOs વચ્ચેના આ સંવાદને સુવર્ણ અવસર ગણાવ્યો હતો. તેમણે ઉમેર્યું કે BLOs ચૂંટણી પંચ અને પ્રજા વચ્ચેની મજબૂત કડી છે. કાર્યક્રમના અંતે ગાંધીનગર કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી રવિન્દ્ર ખતાલેએ તમામ મહાનુભાવો અને સંચાલકોનો આભાર વ્યક્ત કર્યો હતો.


વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિ

