કોચીનના જલારામ ધામમાં પૂજ્ય જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતિની ઉજવણી

કોચીન: શહેરના પવિત્ર જલારામ ધામ ખાતે બાપાની ૨૨૭મી જન્મજયંતિની ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ભક્તિ, શ્રદ્ધા, સેવા અને સામૂહિક એકતાના આ પાવન પ્રસંગે આશરે ૧,૦૦૦ જેટલા ભક્તોએ ઉપસ્થિત રહી બાપાના દર્શન તથા મહાપ્રસાદનો લાભ લીધો હતો.

આ વર્ષની ઉજવણીમાં સમગ્ર જલારામ ધામને અનોખી કલાત્મકતા, આકર્ષક રંગોળી અને મનમોહક સુશોભનથી શણગારવામાં આવ્યું હતું, જેણે સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. મહાઆરતીના યજમાન બનવાનું સૌભાગ્ય નિર્મલકુમાર નરેન્દ્રભાઈ કોટેચા પરિવારને પ્રાપ્ત થયું હતું. કોચીનથી દૂર વસવાટ કરતા હોવા છતાં કોટેચા પરિવારનો ધામ પ્રત્યેનો અતૂટ સ્નેહ અને સહયોગ પ્રશંસનીય રહ્યો હતો, જે બદલ ધામ પરિવારે તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.આ ઉજવણીનું સૌથી મોટું આકર્ષણ જલારામ ધામના ઇતિહાસમાં સૌપ્રથમ વખત આયોજિત ‘છપ્પન ભોગ’ રહ્યો હતો. બાપાના પરમ ભક્ત રીનાબેનના નેતૃત્વ હેઠળ અન્ય મહિલા ભક્તોના સમર્પણ અને સહકારથી વિવિધ વાનગીઓનો ભવ્ય છપ્પન ભોગ તૈયાર કરવામાં આવ્યો હતો, જે ભક્તિ અને સામૂહિક સેવાનું ઉત્તમ પ્રતીક બની રહ્યો હતો.દિવ્ય મહાઆરતીના નાદ અને ભક્તોના જયઘોષથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું. આ સફળ અને સુવ્યવસ્થિત આયોજન બદલ કોચીન જલારામ ધામ પરિવારે તમામ દાતાઓ, મહિલા મંડળ, યુવા મિત્રો, સ્વયંસેવકો અને સેવાભાવી કાર્યકરોનો આભાર માન્યો હતો અને બાપાના આશીર્વાદથી માનવસેવાની જ્યોત સદાય પ્રજ્વલિત રહે તેવી પ્રાર્થના કરી હતી.