હર્ષ ફાયરિંગ કેસમાં BJP ધારાસભ્ય રાજુ સિંહને 4 વર્ષની જેલ

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે (Rouse Avenue Court) વર્ષ 2018 ના ચર્ચિત હર્ષ ફાયરિંગ કેસમાં મોટો ચુકાદો આપતાં બિહારના સાહેબગંજથી ભાજપના ધારાસભ્ય રાજુ કુમાર સિંહને 4 વર્ષની સાદી જેલની સજા સંભળાવી છે. આ ઐતિહાસિક ઘટનામાં એક નિર્દોષ મહિલાનું મોત નીપજ્યું હતું. કોર્ટે 56 વર્ષીય ધારાસભ્ય પર 25 લાખ રૂપિયાનો ભારે દંડ પણ લગાવ્યો છે. સ્પેશિયલ જજ વિશાલ ગોગનેએ સજાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, દોષિત ધારાસભ્યને આઈપીસી (IPC) ની કલમ 304 પાર્ટ-II (ગેરઇરાદાપૂર્વક હત્યા) હેઠળ 4 વર્ષની સાદી કેદ અને આર્મ્સ એક્ટ (Arms Act) ની કલમ હેઠળ લાયસન્સની શરતોના ઉલ્લંઘન બદલ 2 મહિનાની સજા ફટકારવામાં આવે છે.

કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે દંડની આ 25 લાખ રૂપિયાની સંપૂર્ણ રકમ પીડિત મહિલાના પરિવારને વળતર તરીકે ચૂકવવામાં આવશે. સુનાવણી દરમિયાન ધારાસભ્ય રાજુ કુમાર સિંહે કોર્ટ પાસે પ્રોબેશન પર મુક્તિની માંગણી કરી હતી. તેમણે દલીલ કરી હતી કે તેમનો ઈરાદો કોઈનો જીવ લેવાનો નહોતો અને એક લોકપ્રતિનિધિ તરીકે તેમનો અત્યાર સુધીનો રેકોર્ડ બેદાગ રહ્યો છે, જો કે કોર્ટે આ દલીલો ગ્રાહ્ય રાખી નહોતી.

આ સમગ્ર મામલો દિલ્હીના ફતેહપુર બેરી સ્થિત એક ફાર્મહાઉસમાં આયોજિત ન્યૂ યર (નવા વર્ષની) પાર્ટી દરમિયાન થયેલા ગેરકાયદેસર ગોળીબાર સાથે જોડાયેલો છે. આ ઉજવણી દરમિયાન કરવામાં આવેલા હર્ષ ફાયરિંગમાં અર્ચના ગુપ્તા નામની મહિલાને ગોળી વાગતાં તેનું મોત નીપજ્યું હતું. રાઉઝ એવન્યુ કોર્ટે 6 June ના રોજ પોતાના 97 પાનાના વિસ્તૃત ચુકાદામાં નોંધ્યું હતું કે, દેશમાં તહેવારો અને ઉત્સવો દરમિયાન કરવામાં આવતું હર્ષ ફાયરિંગ એક ગંભીર સમસ્યા બની ગયું છે, જે અવારનવાર નિર્દોષ લોકોનો જીવ લે છે. કોર્ટે ઉપલબ્ધ પુરાવાઓ અને સાક્ષીઓના નિવેદનોના આધારે સ્વીકાર્યું કે રાજુ કુમાર સિંહે જ એ ગોળી ચલાવી હતી જેનાથી અર્ચના ગુપ્તાનું મોત થયું હતું. આ કેસમાં સજાની સત્તાવાર જાહેરાત 7 July, 2026 ના રોજ કરવામાં આવી છે. ભાજપના ધારાસભ્ય રાજુ કુમાર સિંહને કોર્ટમાંથી 4 વર્ષની સજા મળી હોવાથી હવે તેમની ધારાસભ્ય તરીકેની સદસ્યતા (સભ્યપદ) જવી લગભગ નક્કી છે. હવે આ બાબત એ વાત પર નિર્ભર રહેશે કે તેમને ઉપલી અદાલતમાંથી દોષસિદ્ધિ પર રાહત મળે છે કે નહીં.