નવી દિલ્હીઃ દિલ્હી-NCRમાં બેકાબૂ બનતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશની સરકારો તેમ જ નગર નિગમોને એક સપ્તાહનું અલ્ટિમેટમ આપ્યો છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે સાત દિવસની અંદર હવાની ગુણવત્તામાં ‘સુધારો’ દેખાવા જોઈએ, નહીં તો જવાબદાર અધિકારીઓ અને સંસ્થાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
કડક એક્શન સાથે એક સપ્તાહનું અલ્ટિમેટમદિલ્હી-એનસીઆરના વાયુ પ્રદૂષણની સમીક્ષા માટે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભૂપેન્દ્ર યાદવે રાજ્યોના એક્શન પ્લાનની સમીક્ષા કરી હતી. મંત્રીએ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે ‘આકરી કાર્યવાહી’ સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો હતો. જોકે તેમણે એ પણ ચેતવણી આપી છે કે આ પ્રક્રિયામાં સામાન્ય જનતાને અનાવશ્યક તકલીફ ન થવી જોઈએ. પ્રાપ્ત માહિતી મુજબ આગામી 15 દિવસમાં એક વધુ સમીક્ષા બેઠક થશે. એ ઉપરાંત જાન્યુઆરી, 2026થી મંત્રી સ્તરે દર મહિને આ એક્શન પ્લાનની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે.
ટ્રાફિક, ઓફિસ ટાઈમિંગમાં ફેરફારના નિર્દેશ
પ્રદૂષણ ઘટાડવા માટે કેન્દ્ર સરકારે કેટલાક કડક અને વ્યવહારુ પગલાં લેવાના નિર્દેશ આપ્યા છે:
ટ્રાફિક હોટસ્પોટ્સ: દિલ્હી-NCRમાં ઓળખાયેલા 62 ટ્રાફિક જામવાળા વિસ્તારોમાં ટ્રાફિક મેનેજમેન્ટ સુચારુ બનાવવાના આદેશ.
સ્ટેગર્ડ ટાઈમિંગ: પીક અવર્સમાં ભીડ ઘટાડવા માટે ઓફિસો, શોપિંગ મોલ્સ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સના સમયપત્રકમાં ફેરફાર (અલગ-અલગ સમયે ખૂલવું/બંધ થવું) પર ભાર.
EV/CNGને પ્રોત્સાહન: કોર્પોરેટ અને ઔદ્યોગિક એકમોને તેમના કર્મચારીઓ માટે ઇલેક્ટ્રિક (EV) અથવા CNG બસોના ઉપયોગ માટે પ્રોત્સાહિત કરવા જણાવ્યું.
સ્માર્ટ ટ્રાફિક સિસ્ટમ: ગુરુગ્રામ, ફરીદાબાદ, ગાઝિયાબાદ અને નોઇડાને ‘ઇન્ટિગ્રેટેડ સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ’ (ITMS)ના કામમાં ઝડપ લાવવાના નિર્દેશ.
ઝેરી હવામાં દિલ્હી-NCRની હાલત બેહાલ
શનિવારે પણ દિલ્હી-NCR ઝેરી ધુમ્મસની ગાઢ ચાદરમાં ઢંકાયેલું રહ્યું, જેને કારણે વિઝિબિલિટી ખૂબ જ ઘટી ગઈ અને લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી. CPCBના જણાવ્યાનુસાર દિલ્હીના ઘણા વિસ્તારોમાં હવાની ગુણવત્તા ‘ગંભીર’ શ્રેણીમાં રહી હતી.
આનંદ વિહાર: 434
આઈટીઓ: 437
આર.કે. પુરમ: 409
નોઇડા: 416

