કોંગ્રેસ અધ્યક્ષ ખરગેનું પીએમ મોદી પર વિવાદિત નિવેદન

બિહારની રાજધાની પટના ખાતે ડૉ. કૃષ્ણ સિંહની 139મી જન્મજયંતી પ્રસંગે યોજાયેલા એક કાર્યક્રમમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેના ભાષણ દરમિયાન ભારે હંગામો મચી ગયો હતો. પોતાના સંબોધન દરમિયાન ખરગે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આકરા પ્રહારો કરી રહ્યા હતા. આ દરમિયાન સભામાં હાજર એક યુવકે વડાપ્રધાન વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણી સામે સખત વિરોધ નોંધાવ્યો હતો અને જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી ક્યાંય જવાના નથી. આ વિરોધથી ક્રોધે ભરાયેલા ખરગેએ વડાપ્રધાન પર વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ ઘટના બાદ તુરંત જ ત્યાં ઉપસ્થિત કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ કરનાર યુવકને પકડી પાડ્યો હતો અને તેની સાથે મારપીટ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ એપ્રિલ 2026માં તમિળનાડુ વિધાનસભા ચૂંટણી દરમિયાન ચેન્નાઈ ખાતે પણ ખરગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ‘આંતંકવાદી’ શબ્દનો પ્રયોગ કર્યો હતો. ખરગેની એ ટિપ્પણી બાદ ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પંચમાં વિધિવત ફરિયાદ નોંધાવીને તેમની પાસે માફીની માંગ કરી હતી. જોકે, ભાજપના ભારે વિરોધ અને હંગામા છતાં ખરગેએ માફી માંગવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો.

વડાપ્રધાન મોદીના એક નિવેદન પર પલટવાર કરતા કોંગ્રેસ અધ્યક્ષે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે આગામી 30 વર્ષ સુધી કોણ જીવિત રહેશે કે કોણ રહેશે તે કોણે જોયું છે? લોકોમાં ભ્રમ પેદા કરવા માટે જ આવા નિવેદનો આપવામાં આવે છે. ખરગેએ સંગીન આરોપ લગાવતા ઉમેર્યું કે જ્યાં સુધી તેમણે ઈવીએમ અને ચૂંટણી પંચમાં પોતાના માણસો ગોઠવી રાખ્યા છે, ત્યાં સુધી જ તેઓ આવા દાવો કરે છે. તેમની જ પાર્ટીના લોકોએ પણ ચૂંટણી પંચમાં ગડબડ હોવાની વાતો કરી છે.

આ કાર્યક્રમમાં આરએસએસ અને ભાજપ પર નિશાન સાધતા ખરગેએ મતદાર યાદીની વિશેષ ગહન સમીક્ષા (SIR) પ્રક્રિયા સામે થઈ રહેલા વિરોધ પ્રદર્શનોને આઝાદીની બીજી લડાઈ ગણાવી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે આરએસએસ અને ભાજપની વિચારધારા દેશમાં વિભાજન અને ભેદભાવને વધુ ઊંડો બનાવી રહી છે. તેમણે આ પ્રક્રિયાને તુરંત અસરથી રોકવા, આગામી તમામ ચૂંટણીઓ બેલેટ પેપરથી કરાવવા અને છેલ્લા 2 વર્ષમાં યોજાયેલી તમામ વિધાનસભા ચૂંટણીઓને રદ કરવાની માંગ કરી હતી. ખરગેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જનતાને ચૂંટણી પંચ પાસેથી પારદર્શકતા અને જવાબદેહી મેળવવાનો સંપૂર્ણ અધિકાર છે. લોકશાહીના રક્ષણ અને દરેક મતની યોગ્ય ગણતરી માટે બેલેટ પેપરથી જ ચૂંટણીઓ થવી જોઈએ.

બીજી તરફ, દિલ્હીમાં 1 નવેમ્બરના રોજ યોજાનારી ‘ઈન્ડિયા’ ગઠબંધનની રેલી સંદર્ભે ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી (CTI) દ્વારા લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને લખવામાં આવેલા પત્ર અંગે પ્રતિક્રિયા આપતા ખરગેએ જણાવ્યું હતું કે 1 તારીખે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમને વેપારીઓ તરફથી અપીલ મળી છે. આજે કે આવતીકાલે બેઠક કરીને આ બાબતનો યોગ્ય ઉકેલ લાવવામાં આવશે. ખરગેએ ઉમેર્યું હતું કે તેઓ જે પણ લડાઈ લડી રહ્યા છે તે જનતા અને વેપારીઓના હિત માટે જ છે. મત ચોરીનો આ મુદ્દો અત્યંત ગંભીર છે અને જો નાગરિકો પાસે મતાધિકાર જ નહીં રહે તો વેપારીઓ વેપાર કરી શકશે નહીં કે વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય બનાવી શકશે નહીં. છતાં પણ વેપારી મંડળ તરફથી મળેલા નિવેદન અને વિનંતી પર ગંભીરતાથી વિચારણા કરવામાં આવશે.