ગુજરાતની 7 શાળાઓમાં અત્યાધુનિક STEM લેબનો પ્રારંભ

ચાંગા: ભારતને વૈજ્ઞાનિક અને નવીનતાપ્રધાન રાષ્ટ્ર બનાવવાના હેતુથી ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન ચારુસેટ રૂરલ એજ્યુકેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ (CREDP) અને બેંગલુરુની જ્ઞાનપ્રો (GyanPro Educational Innovation Pvt. Ltd.)ના સંયુક્ત ઉપક્રમે ગુજરાતની સાત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અત્યાધુનિક STEM (સાઇન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ) લેબ પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ પ્રોજેક્ટને અમેરિકાસ્થિત દાતા ડો. મનોજ દેસાઈ દ્વારા તેમના માતા-પિતા લીલાવતીબેન દેસાઈ અને ચંદ્રસિંહજી દેસાઈની સ્મૃતિમાં આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે. STEM લેબ શ્રી સુરજમલજી હાઈસ્કૂલ (પાટડી), ડી. એન. હાઈસ્કૂલ (આણંદ), સ્વામિનારાયણ વિદ્યાપીઠ (કરમસદ), શ્રીમતી વી. કે. પટેલ હાઈસ્કૂલ (પેટલી), બી. એ. પટેલ હાઈસ્કૂલ (ચાંગા), એ. બી. પટેલ હાઈસ્કૂલ (રામોલ) અને ડી. ઝેડ. પટેલ હાઈસ્કૂલ (આણંદ)માં સ્થાપિત કરવામાં આવી છે.

વૈજ્ઞાનિક પ્રયોગ દ્વારા અનોખું ઉદ્ઘાટન

કાર્યક્રમનું ઉદ્ઘાટન પરંપરાગત દીપપ્રજ્વલનને બદલે આકર્ષક વૈજ્ઞાનિક પ્રયોગ દ્વારા કરવામાં આવ્યું હતું. ચારુસેટના પ્રમુખ સુરેન્દ્ર પટેલ, CHRFના પ્રમુખ વિપુલ પટેલ, પ્રોવોસ્ટ ડૉ. અતુલ પટેલ તથા રજિસ્ટ્રાર ડૉ. બિનિત પટેલના હસ્તે લેબનું વિધિવત્ લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે ગવર્નિંગ બોડીના મેમ્બર એચ. ટી. પટેલ, વૈજ્ઞાનિક અને શિક્ષણવિદ્ ડૉ. સુરેન્દ્ર કુલકર્ણી, જ્ઞાનપ્રોના CEO ડૉ. સુપ્રીથ, ટેક્નિકલ નિષ્ણાત વસુકી, સહ-સ્થાપિકા કૃતિકા, વિકાસ તિવારી તથા CREDPના એક્ઝિક્યુટિવ ઓફિસર ડૉ. દિલીપ ગોસાઈ ઉપસ્થિત રહ્યા હતા.

32 શિક્ષકોને હેન્ડ્સ-ઓન ટ્રેનિંગ

ઉદ્ઘાટન બાદ દિવસભરનું પ્રાયોગિક શિક્ષક તાલીમ શિબિર યોજાયું હતું, જેમાં જ્ઞાનપ્રોની સહ-સ્થાપિકા કૃતિકા, ડૉ. સુપ્રીથ, વસુકી અને વિકાસ તિવારીએ માર્ગદર્શન આપ્યું હતું. આણંદ, ખેડા અને આસપાસના વિસ્તારોની ૧૫ શાળાઓમાંથી ૩૨ વિજ્ઞાન અને ગણિતના શિક્ષકોએ ભાગ લીધો હતો. ડી. ઝેડ. પટેલ હાઈસ્કૂલ, આણંદના આચાર્યા તેજલ જાની સહિત વિવિધ શાળાઓના આચાર્યો પણ આ તાલીમમાં સહભાગી બન્યા હતા. તાલીમ બાદ તમામ શિક્ષકોને પ્રમાણપત્રો એનાયત કરાયા હતા.

ચારુસેટ–CREDP અને જ્ઞાનપ્રો વચ્ચેના આયોજનથી રાજ્યના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ પ્રોજેક્ટનો વિસ્તાર કરવાનો લક્ષ્યાંક છે. આ કાર્યક્રમને સફળ બનાવવામાં NSS કો-ઓર્ડિનેટર કિશન પટેલ અને વોલન્ટીયર્સનો મહત્વનો ફાળો રહ્યો હતો.