ડૉ. રીતુ વાર્શ્નેયના સંશોધનથી અલ્ઝાઇમર, ડાયાબિટીસના દર્દીઓને મળશે રાહત

ચાંગા: ચારુસેટ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ બાયોલોજીકલ સાયન્સીસના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. રીતુ વાર્શ્નેયે બાયોમેડિકલ રિસર્ચ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. તેઓ પી.ડી. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપ્લાઇડ સાયન્સિસ (PDPIAS) સાથે જોડાયેલા છે.  ડો. રીતુ વાર્શ્નેયને ગુજરાત સરકાર અને ભારત સરકાર તરફથી રૂ. 65 લાખથી વધુની બે રિસર્ચ ગ્રાન્ટ પ્રાપ્ત થઈ છે. આ ગ્રાન્ટ્સ અલ્ઝાઇમર, ડાયાબિટીસ, પાર્કિન્સન તથા વૃદ્ધાવસ્થા સાથે સંકળાયેલા અન્ય ગંભીર રોગોના અભ્યાસ અને સંભવિત સારવાર વિકસાવવા માટે ઉપયોગમાં લેવામાં આવશે.

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ અંતર્ગત કાર્યરત ગુજરાત સ્ટેટ બાયોટેક્નોલોજી મિશન (GSBTM) દ્વારા ડો. રીતુ વાર્શ્નેયને રૂ. 59.70 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. “ડેવલપમેન્ટ ઓફ અ સ્ટેબલ આઇસોજેનિક સેલ-બેઝ્ડ પ્લેટફોર્મ ફોર ફંક્શનલ એન્ડ ટ્રાન્સલેશનલ ઓટોફેજી રિસર્ચ ઇન હેલ્થ એન્ડ ડિસીઝ”(Development of a Stable Isogenic Cell-Based Platform for Functional and Translational Autophagy Research in Health and Disease) શીર્ષક ધરાવતા આ પ્રોજેક્ટમાં ઓટોફેજી (Autophagy) નામની શરીરની કુદરતી કોષીય સફાઈ પ્રક્રિયાનો અભ્યાસ કરવામાં આવશે.

ઓટોફેજી શરીરમાં નુકસાન પામેલા કોષીય ઘટકોને દૂર કરીને કોષોને સ્વસ્થ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઉપવાસ અને નિયમિત વ્યાયામ દરમિયાન આ પ્રક્રિયા સ્વાભાવિક રીતે સક્રિય થાય છે. જોકે, આ પ્રક્રિયામાં ખામી સર્જાય ત્યારે અલ્ઝાઇમર, પાર્કિન્સન, ડાયાબિટીસ અને કેન્સર જેવા ગંભીર રોગો વિકસવાની સંભાવના વધી જાય છે. આ પ્રોજેક્ટ અંતર્ગત અદ્યતન માનવ કોષીય મોડેલ્સ વિકસાવવામાં આવશે. જેના દ્વારા વૈજ્ઞાનિકો ઓટોફેજીની પ્રક્રિયાને વધુ સારી રીતે સમજી શકશે તેમજ નવી દવાઓના વિકાસ માટે સંશોધન કરી શકશે. આ રિસર્ચ ગુજરાત અને ભારતના બાયોમેડિકલ સંશોધન અને નવીનતાને વધુ મજબૂત બનાવશે.

આઇ.આઇ.ટી.ના પ્રોફેસર કો-ઈન્વેસ્ટીગેટર 

ડો. રીતુ વાર્શ્નેયને અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન (ANRF), ભારત સરકાર દ્વારા રૂ. 5.97 લાખની ગ્રાન્ટ પણ પ્રાપ્ત થઈ છે. “મેપિંગ પેથોજેનિક પોસ્ટ-ટ્રાન્સલેશનલ મોડિફિકેશન્સ ઓન ટાઉ ઇન અલ્ઝાઇમર્સ ડિસીઝ એન્ડ ધેર સિલેક્ટિવ ક્લિયરન્સ વાય નેનોબોડી–E3 લાઇગેઝ ચાઇમેરાસ” (Mapping Pathogenic Post-Translational Modifications on Tau in Alzheimer’s Disease and Their Selective Clearance via Nanobody–E3 Ligase Chimeras) શીર્ષક ધરાવતા આ પ્રોજેક્ટમાં અલ્ઝાઇમર રોગ સાથે સંકળાયેલા મગજના પ્રોટીનમાં થતા હાનિકારક ફેરફારોનો અભ્યાસ કરવામાં આવશે.

રિસર્ચ દરમિયાન એવા નવતર ઉપાયો વિકસાવવામાં આવશે કે જેના દ્વારા રોગને પ્રોત્સાહન આપતા પ્રોટીનને શરીરમાંથી દૂર કરી શકાય. આ અભ્યાસ અલ્ઝાઇમર રોગ માટે વધુ અસરકારક સારવાર વિકસાવવાના પ્રયાસોને નવી દિશા આપશે. ભારતની વૃદ્ધ થઈ રહેલી વસતિમાં અલ્ઝાઇમર જેવા રોગોની વધતી જતી સમસ્યાને ધ્યાનમાં રાખતાં આ સંશોધન અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ રાષ્ટ્રીય સ્તરના પ્રોજેક્ટનું નેતૃત્વ આઇ.આઇ.ટી. ગાંધીનગરના ડો. શરદ ગુપ્તા પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર તરીકે કરી રહ્યા છે, જ્યારે ડો. રીતુ વાર્શ્નેય કો-પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર (Co-PI) તરીકે કાર્યરત છે. ચારુસેટ અને દેશની અગ્રણી ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી  (IITs) વચ્ચેનો આ સંશોધન સહયોગ આરોગ્ય ક્ષેત્રના રાષ્ટ્રીય મહત્વના પડકારોને ઉકેલવા માટે આંતરવિષયક સંશોધનની વધતી જતી ભૂમિકાને ઉજાગર કરે છે.

આ બંને પ્રોજેક્ટ ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને આગળ ધપાવતાં ભારતની બાયોમેડિકલ સંશોધન અને ઇનોવેશન ક્ષમતાઓને મજબૂત બનાવશે. દેશમાં જ અદ્યતન સંશોધન સાધનો અને રોગોના મોડેલ્સ વિકસાવી વૈજ્ઞાનિક આત્મનિર્ભરતા વધારવા, ભાવિ સંશોધકોને તાલીમ આપવા તથા સમાજના હિતમાં ભારતીય પરિસ્થિતિને અનુરૂપ આરોગ્યલક્ષી ઉકેલો વિકસાવવા આ સંશોધનો મહત્વપૂર્ણ યોગદાન આપશે.

ડો. રીતુ વાર્શ્નેયે જણાવ્યું હતું કે અમારો મુખ્ય હેતુ અલ્ઝાઇમર, ડાયાબિટીસ અને વૃદ્ધાવસ્થા સાથે સંકળાયેલા જટિલ રોગોની સારવાર શોધવાની પ્રક્રિયાને ગતિ આપે તેવા ઇનોવેટીવ રિસર્ચ ટૂલ્સ અને થેરાપ્યુટીક સ્ટ્રેટેજી વિકસાવવાનો છે. અમને આશા છે કે આ પ્રોજેક્ટોના પરિણામો ભવિષ્યમાં દર્દીઓ અને સમાજને વધુ અસરકારક આરોગ્યસેવા ઉકેલો પ્રદાન કરવામાં મદદરૂપ થશે.