ચાંગા: નર્સિંગ શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા, નવીનતા અને શ્રેષ્ઠતાના ઉચ્ચતમ ધોરણો સ્થાપિત કરતી ચારોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (CHARUSAT) સંલગ્ન મણિકાકા ટોપાવાલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ (MTIN)એ રાષ્ટ્રીય સ્તરે એક મોટી સિદ્ધિ મેળવી છે. સંસ્થાને પ્રતિષ્ઠિત ‘Best in Nursing Education & Training Excellence Award – 1st Achiever (Western India)’ એનાયત કરવામાં આવ્યો છે. આ પુરસ્કાર પશ્ચિમ ભારતની નર્સિંગ શિક્ષણ સંસ્થાઓમાં MTINને શ્રેષ્ઠતાના નવા માપદંડ સ્થાપિત કરનાર અગ્રણી સંસ્થા તરીકે સાબિત કરે છે.
હૈદરાબાદ ખાતે ભવ્ય સમારોહમાં સન્માન
હૈદરાબાદ ખાતે ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ (ICC) દ્વારા 4th Edition of ICC National Nursing Excellence Awardsનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ (INC) અને કોન્સોર્ટિયમ ઓફ એક્રેડિટેડ હેલ્થકેર ઓર્ગેનાઇઝેશન્સ (CAHO)ના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં દેશભરની અગ્રણી નર્સિંગ સંસ્થાઓએ ભાગ લીધો હતો. સ્પર્ધા વચ્ચે પશ્ચિમ ભારત ઝોનમાં ચારુસેટની નર્સિંગ કોલેજે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
મહાનુભાવોના હસ્તે એવોર્ડ અર્પણ
આ પ્રતિષ્ઠિત એવોર્ડ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ, નવી દિલ્હીના પ્રમુખ ડૉ. ટી. દિલીપ કુમારના હસ્તે MTINના પ્રિન્સિપાલ ડૉ. અનિલ શર્માને એનાયત કરવામાં આવ્યો હતો. આ ક્ષણ સમગ્ર ચારુસેટ પરિવાર માટે ગૌરવની ક્ષણ બની રહી હતી.
શ્રેષ્ઠતાના વિવિધ માપદંડો પર ખરી ઉતરી સંસ્થા
નર્સિંગ શિક્ષણમાં ઉચ્ચ શૈક્ષણિક ગુણવત્તા, આધુનિક શિક્ષણ પદ્ધતિઓ, અદ્યતન ક્લિનિકલ તાલીમ, સંશોધન (Research), મૂલ્યલક્ષી શિક્ષણ અને વિદ્યાર્થીકેન્દ્રિત અભિગમને કારણે MTINએ રાષ્ટ્રીય સ્તરે પોતાની આ આગવી ઓળખ ઊભી કરી છે. સંસ્થા હાલમાં વૈશ્વિક આરોગ્યક્ષેત્રની જરૂરિયાતોને અનુરૂપ કુશળ અને માનવતાવાદી નર્સિંગ પ્રોફેશનલ્સ તૈયાર કરવામાં સતત મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.
ચારુસેટ પરિવાર દ્વારા અભિનંદન વર્ષા
આ ઐતિહાસિક સફળતા બદલ ચારુસેટના પ્રોવોસ્ટ ડૉ. અતુલ પટેલ, રજિસ્ટ્રાર ડૉ. બિનીત પટેલ તથા સમગ્ર ચારુસેટ પરિવારે MTIN ટીમને અભિનંદન પાઠવ્યા હતા. જણાવ્યું હતું કે, સંસ્થાને મળેલું આ રાષ્ટ્રીય સન્માન માત્ર ચારુસેટનું જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત અને પશ્ચિમ ભારત માટે ગૌરવની બાબત છે. આ સિદ્ધિ નર્સિંગના ભાવિ વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બનશે અને શિક્ષણ ક્ષેત્રે ચારુસેટની લીડરશિપને વધુ મજબૂત બનાવશે.




