અમેરિકામાં ચૌદ ગામ પાટીદાર સમાજનો મેળાવડો યોજાયો

ન્યૂજર્સી: ગુજરાતીઓ, પછી એ ધરતીના કોઇપણ છેડે હોય એમને મળવા-મળવા અને ઉજાણી કરવામાં કોઇ ન પહોંચે. ગુજરાતીઓ જ્યાં જાય તો પોતાનો સમુહ, પોતાનો વર્ગ બનાવી જ લે અને સ્થાનિક પ્રજાની સાથે ભળી જઇને પણ પોતાનું ગુજરાતીપણું ન છોડે.

જૂઓ, હમણાં ગયા અઠવાડિયાની જ વાત. અમેરિકાના ન્યૂજર્સીમાં મૂળ મધ્ય ગુજરાતના ગોરેલ તથા જેસરવા ગામના  અને અમેરિકામાં વસતા હોય એવા ચૌદગામ પાટીદાર સમાજ દ્વારા એક સમર મેળવડાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના 500 કરતાં વધુ બાળકો, યુવાનો અને વડીલોએ ભાગ લીધો હતો.

પિકનિકમાં સૌએ મેથી, બટાકાના તેમજ મિક્ષ ભજીયા, જલેબી તેમજ ચા-કોફીનો સ્વાદ માણ્યો હતો. અનેક રમતો રમીને આનંદોત્સવ ઉજવ્યો હતો. દોરીમાં સિરિયલ પરોવણી, દોરડા ખેંચ, રીંગ ફેંગ, પગ બાંધીને દોડ કરવી જેવી અનેક રમતો નાના-મોટાં સૌએ ભેગા મળીને રમી હતી. વિજેતાઓને ઈનામ આપીને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા. ઉપરાંત 2024-25માં જે યુવાનોએ યુનિવર્સિટીમાંથી કોલેજ ડિગ્રી પ્રાપ્ત કરી હતી તેવા 13 વિદ્યાર્થીઓનું ખેસ પહેરાવીને સન્માન પણ કરવામાં આવ્યું હતું.

પિકનિકમાં ફીલાડેલ્ફિયા, કર્નેટીક્ટ, નોર્થ કેરોલીના, ન્યૂયોર્ક, જેવા શહેરોમાંથી પણ જેસરવા ગામના વતનીઓ એવા ભાવેશ પટેલ, ગ્રીષ્માબહેન પટેલ, કલ્પેશભાઇ પટેલ, વૈશાલીબહેન પટેલ, સરોજબહેન પટેલ, હંસાબહેન પટેલ, ગીતાબહેન પટેલ અને ગોરેલ ગામના પંકજભાઇ પટેલ, જયશ્રીબહેન પટેલ, નિશાંત પટેલ, બિનીતીબહેન પટેલ, મિકી પટેલ સહિતના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.

કાર્યક્રમના અંતે અગ્રણી મણીભાઈ આર. પટેલ દ્વારા ગોરેલ અને જેસરવા પાટીદાર સમાજનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે જ વર્ષ 2026ની સમર પિકનિક ભાટીએલ પાટીદાર સમાજના આયોજન હેઠળ થશે તેવી જાહેરાત કરવામાં આવી હતી, જેને સૌએ તાળીઓથી વધાવ્યું હતું.