ચેક બાઉન્સ કેસઃ હાઇકોર્ટે એક્ટર રાજપાલ યાદવની સજા યથાવત્ રાખી

નવી દિલ્હીઃ બોલિવુડ અભિનેતા રાજપાલ યાદવને ચેક બાઉન્સ કેસમાં મોટો આંચકો લાગ્યો છે. શુક્રવારે હાઇકોર્ટે તેમને ચેક બાઉન્સ કેસમાં દોષિત ગણાવતાં તેમની સજા યથાવત્ રાખી હતી. ચુકાદો આપતાં અદાલતે રાજપાલ યાદવના વર્તનને “શંકાસ્પદ” ગણાવ્યું હતું અને સંબંધિત અધિકારીઓને તેમને ફરીથી જેલમાં મોકલવાના નિર્દેશ આપ્યા હતા. હાઇકોર્ટે તેમની સજામાં કોઈ હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો. અહેવાલો અનુસાર રાજપાલ યાદવ દ્વારા આપવામાં આવેલા બદલાતાં નિવેદનોને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે આ નિર્ણય લીધો છે. રાજપાલ યાદવ આ કેસમાં જામીન પર બહાર હતા. હવે ચુકાદો આપતાં હાઇકોર્ટે તેમને માત્ર દોષિત જ ઠેરવ્યા નથી, પરંતુ ત્રણ મહિનાની સજાનો પણ હુકમ કર્યો છે.

શું છે મામલો?

વર્ષ 2010માં રાજપાલ યાદવે પોતાની દિગ્દર્શક તરીકેની પ્રથમ ફિલ્મ ‘અતા પતા લાપતા’ બનાવવા માટે મેસર્સ મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી પાંચ કરોડ રૂપિયાની લોન લીધી હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ સાબિત થઈ હતી અને ત્યાર બાદ લોનની ચુકવણીમાં થયેલી કથિત ચૂકને કારણે મામલો લાંબી કાનૂની લડાઈમાં ફેરવાયો હતો.

એપ્રિલ, 2018માં મેજિસ્ટ્રેટ કોર્ટે ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવ અને તેમની પત્ની રાધાને દોષિત ઠેરવી છ મહિનાની જેલસજાનો હુકમ કર્યો હતો. વર્ષ 2019ની શરૂઆતમાં સેશન કોર્ટે પણ આ ચુકાદાને યથાવત્ રાખ્યો હતો, જે પછી રાજપાલ યાદવે દિલ્હી હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી.

જૂન, 2024માં હાઇકોર્ટે તેમની સજા પર તાત્કાલિક સ્ટે લગાવ્યો હતો અને તેમને લગભગ નવ કરોડ રૂપિયાનાં બાકી દેવાં ચૂકવવા માટે પ્રામાણિક અને ગંભીર પ્રયાસ” કરવા સૂચના આપી હતી, પરંતુ આ વર્ષની બીજી ફેબ્રુઆરીએ અદાલતે જણાવ્યું હતું કે તેઓ વારંવાર ચુકવણીના પોતાનાં વચનો પૂર્ણ કરવામાં નિષ્ફળ રહ્યા છે, તેથી તેમને આત્મસમર્પણ (સરન્ડર) કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેમણે સરન્ડર કર્યું હતું. સરન્ડર કરતાં પહેલાં રાજપાલ યાદવે કહ્યું હતું કે “સર, હું શું કરું? મારી પાસે પૈસા નથી અને મને કોઈ બીજો રસ્તો દેખાતો નથી. ત્યાર બાદ તેમણે સરન્ડર કર્યું અને તેમને દિલ્હીની તિહાર જેલમાં મોકલવામાં આવ્યા હતા.