નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે NCERT ધોરણ આઠના પુસ્તકમાં ન્યાયિક ભ્રષ્ટાચાર સંબંધિત સામગ્રી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. CJI સૂર્યકાંતએ જણાવ્યું હતું કે તેમણે આ મુદ્દે નોંધ લીધી છે અને જરૂર પડે તો સ્વપ્રેરિત કાર્યવાહી (સુઓ મોટો) પણ કરી શકે છે. તેમણે કહ્યું હતું કે હું કોઈને પણ સંસ્થાને બદનામ કરવાની મંજૂરી નહીં આપું. કાયદો પોતાનું કામ કરશે.
વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવીએ CJI સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે શાળાના વિદ્યાર્થીઓને આવી સામગ્રી ભણાવવામાં આવી રહી છે તે બાબતે તેઓ ચિંતિત છે. સિબ્બલે કોર્ટને વિનંતી કરી છે કે આ મામલે સ્વપ્રેરિત નોંધ લેવામાં આવે. તેના જવાબમાં મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતએ કહ્યું કે તેઓ આ મુદ્દાથી પરિચિત છે અને તેમને આ અંગે અનેક કોલ અને સંદેશ પ્રાપ્ત થયા છે. CJIએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે હું કોઈને પણ આ સંસ્થાને બદનામ કરવાની મંજૂરી નહીં આપું. મને ખબર છે કે આનો સામનો કેવી રીતે કરવો.
કોર્ટે આ મામલાને ગંભીરતાથી લઈને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. CJIએ કહ્યું હતું કે આ એક સુનિયોજિત અને વિચારીને કરાયેલી કોશિશ જેવી લાગે છે. હું આથી વધુ કંઈ કહેવા માગતો નથી. એ ઉપરાંત તેમણે મુદ્દો તેમના ધ્યાનમાં લાવવા બદલ સિબ્બલ અને સિંઘવીનો આભાર માન્યો હતો. આગળ શું કાર્યવાહી થશે તે અંગે અદાલતે સંકેત આપ્યો છે કે યોગ્ય પગલાં લેવામાં આવશે.
સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટમાં બાકી કેસોનો ઉલ્લેખ
નવા પુસ્તકમાં દેશની કોર્ટોમાં બાકી પડેલા કેસોના અંદાજિત આંકડા પણ આપવામાં આવ્યા છે.
* સુપ્રીમ કોર્ટમાં લગભગ 81,000 કેસ બાકી છે.
* હાઇકોર્ટ્સમાં આશરે 62,40,000 કેસ બાકી છે.
* જિલ્લા અને અનુગામી અદાલતોમાં લગભગ 4,70,00,000 કેસ બાકી છે.
આ આંકડાઓ દ્વારા વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે દેશની ન્યાય પ્રણાલી પર કેટલો મોટો ભાર છે.


