CMનો સાન ફ્રાન્સિસ્કોમાં ગુજરાતી ડાયસ્પોરા સાથે સંવાદ, વાયબ્રન્ટનું આપ્યું આમંત્રણ

સાન ફ્રાન્સિસ્કો: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુનાઇટેડ સ્ટેટ્સ (યુ.એસ.) અને કેનેડાના સાપ્તાહિક પ્રવાસે પહોંચ્યા છે. આ ઉચ્ચસ્તરીય પ્રવાસના પ્રથમ દિવસે સાન ફ્રાન્સિસ્કો ખાતે સ્થાયી થયેલા વિશાળ ગુજરાતી સમુદાય (ડાયસ્પોરા) સાથે બેઠક અને સંવાદ યોજીને પોતાના પ્રવાસનો શુભારંભ કર્યો હતો.આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ-2027માં યુ.એસ. અને કેનેડાના ઉદ્યોગ-રોકાણકારો ભાગ લે તેમજ રાજ્યમાં નવા ઉદ્યોગો અને નિવેશ સંસ્થાપિત કરે તે માટે આમંત્રણ આપવું એ આ પ્રવાસનો મુખ્ય હેતુ છે.

સિલિકોન વેલીના ગુજરાતીઓની વૈશ્વિક પ્રતિભા અને નોલેજ શેરિંગ

સાન ફ્રાન્સિસ્કોના સિલિકોન વેલી વિસ્તારમાં સ્થાયી થયેલા ગુજરાતી સમુદાયની કામગીરી અને યોગદાનની બિરદાવતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ડેટા સેન્ટર અને બાયોટેક્નોલોજી જેવા ‘ન્યૂ એજ’ (New-Age) સેક્ટર્સમાં ગુજરાતીઓની કામગીરી ખરેખર અભિનંદનને પાત્ર છે.તેમણે ઉમેર્યું હતું કે, “વતનથી હજારો કિલોમીટર દૂર રહીને પણ ગુજરાતીઓએ ભાષા, મૂલ્યો અને તહેવારોની સંસ્કૃતિને જીવંત રાખી છે. ગુજરાત સરકાર એવી યોજના બનાવી રહી છે જેથી સિલિકોન વેલીની વૈશ્વિક પ્રતિભાઓ અને ગુજરાત સ્થિત ઉદ્યોગો વચ્ચે એક મજબૂત સેતુ નિર્માણ થાય. આ ટેક્નોલોજી સહયોગ અને નોલેજ શેરિંગથી રાજ્યમાં નવી તકો ઊભી થશે.”

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંબોધનના મુખ્ય અંશો,

ગ્રોથ એન્જિન ગુજરાત: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ના મંત્રથી ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે.

વિકસિત ગુજરાતથી વિકસિત ભારત: વિકસિત ભારત-2047ના વિઝનને સાકાર કરવામાં વિકસિત ગુજરાત આગળ વધીને નેતૃત્વ લેશે.

નવા ક્ષેત્રોનું હબ: ગુજરાત સેમિકન્ડક્ટર, AI, ડેટાસેન્ટર અને બાયોટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં ગ્લોબલ હબ તરીકે ઊભરી રહ્યું છે.

રાજ્યના સર્વગ્રાહી વિકાસ વિશે પ્રશ્નોત્તરી અને ઉત્સુકતા

બેઠક દરમિયાન ગુજરાતી ડાયસ્પોરાના અગ્રણીઓએ રાજ્યમાં ચાલી રહેલી અવિરત વિકાસયાત્રા, વિવિધ યોજનાઓ અને આર્થિક પ્રગતિ અંગે ઊંડો રસ દાખવ્યો હતો. પ્રશ્નોત્તરી સત્ર દરમિયાન ડાયસ્પોરાના અગ્રણીઓએ વડાપ્રધાન દ્વારા શરૂ કરાયેલા વિકાસ મોડેલને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મળેલી નવી ગતિ અને સફળ પરિણામોની પ્રશંસા કરી હતી.

આ પ્રસંગે મુખ્ય સચિવ એમ. કે. દાસ, ગુજરાત ડેલિગેશનના સિનિયર સચિવો અને પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં ઉદ્યોગ-વેપાર અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.