રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એસઆઈઆરને લઈ એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું કે મતદાર યાદીમાં સુધારાનું એક માત્ર કારણ લોકતંત્રને મજબૂત બનાવવા માટેનો સૌથી અગત્યનો નિર્ણય છે. SIR પ્રક્રિયા ચૂંટણી વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ હોવાથી દરેક પાત્ર નાગરિકે તેમાં પોતાની જવાબદારી નિભાવવી જોઈએ.

હાલ ગુજરાતમાં આ પ્રક્રિયા પુરજોશમાં ચાલી રહી છે અને લોકોનું સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. આ કામગીરી દરમિયાન નવો મતદાર ઉમેરવો, જૂની વિગતો સુધારવી, સરનામું બદલવું, અથવા કોઈ ભૂલ સુધારવી જેવી પ્રક્રિયાઓ સરળતાથી થઈ શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતે SIR ફોર્મ ભરીને આ સમગ્ર પ્રક્રિયાને વધુ પ્રોત્સાહન આપ્યું છે.
સીએમએ પોસ્ટ શેર કરતા લોકોને અપીલ કરી છે કે, લોકો સમયસર પોતાનું SIR ફોર્મ ભરી લે. તેમણે લખ્યું કે મતદાર યાદી સુધારણા કાર્ય ખૂબ જ અગત્યનું છે, કારણ કે આ દરેક નાગરિકના મતાધિકારને સુરક્ષિત બનાવે છે. સાચી માહિતીના આધારે બનાવેલી યાદી મતદાન પ્રક્રિયામાં કોઈ પ્રકારની ગેરસમજ અથવા ગેરવ્યવહારને અટકાવે છે.
વધુમાં તેઓએ કહ્યું કે, SIR કામગીરીમાં પૂર્ણ સહયોગ આપે. તેમના શબ્દોમાં, જો દરેક નાગરિક જવાબદારીપૂર્વક SIR પ્રક્રિયામાં જોડાશે તો આપણા રાજ્યનું લોકતંત્ર વધુ મજબૂત બનશે.” તેમણે યુવાનોને પણ ખાસ કરીને પ્રોત્સાહિત કર્યા કે 18 વર્ષની ઉંમર પૂર્ણ થતાં જ તેઓ પોતાનું નામ યાદીમાં ઉમેરાવે.


