મુંબઈમાં RA સ્ટુડિયોમાં બંધક બાળકોને છોડાવાયાઃ એકની ધરપકડ

મુંબઈઃ શહેરના જાણીતા RA સ્ટુડિયોના પ્રથમ માળ પર ચાલી રહેલા એક્ટિંગ ક્લાસમાં 15થી 20 બાળકોને બંધક બનાવવામાં આવ્યા હોવાનું જાણવા મળતાં આખા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. આરોપીએ 15–20 બાળકોને સ્ટુડિયોમાં બંધક બનાવી લીધા હતા. જોકે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતાં આરોપીની ધરપકડ કરી છે.

મુંબઈ પોલીસે બંધક બનાવાયેલાં બધાં બાળકોને સુરક્ષિત બહાર કાઢ્યા . મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે બધાં બાળકોને ઘટનાસ્થળેથી સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. રોહિત આર્યા નામની વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે અને જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે તેણે આવું પગલું કેમ ભર્યું અને શું તે ખરેખર માનસિક રીતે અસ્વસ્થ છે?

આરોપી માનસિક રીતે અસ્વસ્થ

મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે રોહિત આર્યા નામની એક વ્યક્તિએ મુંબઈના પવઈ વિસ્તારમાં કેટલાક બાળકોને બંધક બનાવી લીધાં છે. તેણે એક વિડિયો જાહેર કર્યો છે જેમાં તે કહેતો નજરે પડે છે કે તેને કેટલાક લોકો સાથે વાત કરવી છે અને જો તેને એવું કરવા નહિ દેવામાં આવે તો તે બધું આગ લગાવી દેશે અને પોતાને તથા બાળકોને નુકસાન પહોંચાડશે. આ વ્યક્તિ માનસિક રીતે અસ્વસ્થ લાગી રહી છે અને પોલીસ મામલો સંભાળવાનો પ્રયાસ કરી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ બાળકોને ઓડિશન માટે બોલાવવામાં આવ્યાં હોવાનું પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું.

આ ઘટનાએ બધાને અચંબામાં મૂકી દીધા, જેને કારણે લોકોમાં ભય ફેલાયો. બાળકો બારીમાંથી બહાર જોતા જોવા મળ્યા, જ્યારે નીચે તેમના પરિવારજનો રોકકળ કરતાં પહોંચ્યા હતા. પ્રાપ્ત માહિતી મળતાં પોલીસની અનેક ટીમો સ્થળ પર દોડી આવી અને આખા વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા ગોઠવી દેવામાં આવી હતી.