ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા ‘કિડનોવેશન’ પ્રોજેક્ટનો પ્રારંભ

ગાંધીનગર: ગુજરાતના બાળકોમાં રહેલી નવસર્જનની શક્તિને પ્રોત્સાહન આપવા અને તેમના અનોખા વિચારોને બૌદ્ધિક સંપત્તિ (Intellectual Property) તરીકે વિકસાવવાના ઉદ્દેશ્ય સાથે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી (CRU) દ્વારા ‘કિડનોવેશન’ (Kidnovation) નામના એક અત્યંત મહત્વકાંક્ષી અને અનોખા પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જાણીતા શિક્ષણવિદ ગિજુભાઈ બધેકાની ૮૭મી પુણ્યતિથિના અવસરે આ લોકાર્પણ કરાયું. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦ના દિશાનિર્દેશોને અનુરૂપ શરૂ કરાયેલી આ પહેલ બાળકોમાં સર્જનાત્મકતા, વૈજ્ઞાનિક અભિગમ અને અનુભવ આધારિત શિક્ષણને નવી ઊંચાઈ આપશે.રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે ભારતીય જ્ઞાન પરંપરા અને સર્જનાત્મકતા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે દેશના બાળકોમાં ઇનોવેશનની ભાવના ખીલે તે માટે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીની સ્થાપના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક વિઝનરી વિચારબીજ હતું. આ નવો પ્રોજેક્ટ તે દિશામાં વધુ એક મોટું કદમ છે.

CRUના વાઇસ-ચાન્સેલર ડો. ટી.એસ. જોશીએ જણાવ્યું કે, આ પ્રોજેક્ટ હેઠળ સમગ્ર ગુજરાતમાંથી આશરે ૧૦૦ પ્રતિભાશાળી બાળકોની પસંદગી કરવામાં આવશે. પસંદ થયેલા આ તમામ બાળકોને પ્રોટોટાઇપિંગ, ડિઝાઇન અને ઇનોવેશન અંગે વિશેષ તાલીમ અપાશે. ત્યારબાદ, તેમના સર્જનાત્મક વિચારોનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરીને તેમાંથી ૨૦ થી ૩0 શ્રેષ્ઠ અને નવતર વિચારો માટે ભારતીય પેટન્ટ કચેરીમાં પ્રોવિઝનલ પેટન્ટ ફાઇલ કરવામાં આવશે. આ પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે પેટન્ટની ૧૦૦ ટકા માલિકી માત્ર અને માત્ર બાળકોના નામે જ રહેશે.

પ્રોજેક્ટના નિયામક (પ્રશિક્ષણ કેન્દ્ર) નિલેશ પંડ્યાએ જણાવ્યું કે, તમામ ૧૦૦ બાળકોની આ ઇનોવેશન યાત્રાનું વ્યવસ્થિત દસ્તાવેજીકરણ કરીને એક ‘કિડનોવેશન લોગ’ તૈયાર કરાશે, જે ગુરુપેડિયા પ્લેટફોર્મ પર કાયમી આર્કાઇવ તરીકે ઉપલબ્ધ રહેશે. ઉપરાંત, પ્રાથમિક શિક્ષણમાં બૌદ્ધિક સંપત્તિ વિકાસ માટે એક વ્હાઇટ પેપર તૈયાર કરીને શિક્ષણ વિભાગને સોંપવામાં આવશે.

આ પ્રોજેક્ટ ૨૩ જૂનથી શરૂ થઈને ૧૫ નવેમ્બર, ૨૦૨૬ સુધી ચાલશે. જુલાઈ અને ઓગસ્ટમાં આઈડિયા સ્કાઉટિંગ અને માર્ગદર્શન કાર્યક્રમો યોજાશે. સપ્ટેમ્બરમાં વિચારોનું મૂલ્યાંકન થશે અને ત્યારબાદ ૧૫-૧૬ ઓક્ટોબરે ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામના જન્મદિવસ નિમિત્તે યુનિવર્સિટી ખાતે બે દિવસીય રેસિડેન્શિયલ પ્રોટોટાઇપિંગ બૂટ કેમ્પ યોજાશે, જેમાં આશરે ૫૦ બાળકો ભાગ લેશે. આ પ્રોજેક્ટ ગુજરાતમાં બાળ ઇનોવેશનની એક નવી સંસ્કૃતિ ઉભી કરશે.