‘ઓપરેશન સિંદૂર’ વખતે ચીનની નાપાક જાસૂસી

ગત વર્ષે એપ્રિલ મહિનામાં જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ મે મહિનાના પ્રથમ સપ્તાહમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી સંઘર્ષ થયો હતો, જેને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપવામાં આવ્યું હતું. ભારતીય સેનાએ પહલગામ હુમલાનો જડબાતોડ જવાબ આપતા લશ્કરી કાર્યવાહી કરી હતી અને પાકિસ્તાન તથા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઘૂસીને ત્યાંના અનેક આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા હતા. આ સંઘર્ષ 10 મે સુધી ચાલ્યો હતો. આ દરમિયાન પાકિસ્તાનની મદદ માત્ર તુર્કીએ જ નહોતી કરી, પરંતુ ચીને પણ તેને શસ્ત્રો પૂરા પાડ્યા હતા. હવે એક નવી ચોંકાવનારી માહિતી સામે આવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન ચીન પાકિસ્તાનની મદદ કરવા અને તેને ગુપ્ત માહિતી આપવા માટે અંતરિક્ષમાંથી ભારતીય લશ્કરી મથકો, બંદરો અને ઊર્જા કેન્દ્રોની જાસૂસી કરી રહ્યું હતું. આ માટે ચીને ગુજરાતના દરિયાકાંઠા ઉપર ત્રણ જાસૂસી ઉપગ્રહો તૈનાત કરી રાખ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે જમીની અને હવાઈ સંઘર્ષ મુખ્યત્વે જમ્મુ-કાશ્મીર અને પંજાબના મોરચે કેન્દ્રિત હતો.

બાજની જેમ ગડાવી રાખી હતી નજર

બેંગલુરુ સ્થિત અંતરિક્ષ દેખરેખ સંસ્થા ‘દિગંતરા’ના તથ્યો પર આધારિત વિશ્લેષણમાં જણાવાયું છે કે 10 અને 11 મે 2025 ના રોજ ચીનના ત્રણ મુખ્ય જાસૂસી ઉપગ્રહો નિંગ્શિયા-14, ગાઓફેન-11 અને યાઓગાન-30 ગુજરાતના દરિયાકાંઠાના લશ્કરી અને નાગરિક મથકો પર સતત નજર રાખી રહ્યા હતા. આ ઉપગ્રહો ઇલેક્ટ્રોનિક સંકેતો પકડવા, અત્યંત સ્પષ્ટ તસવીરો ખેંચવા અને લશ્કરી તથા દરિયાઈ ગતિવિધિઓની ગુપ્ત માહિતી એકત્ર કરવામાં સક્ષમ છે.

કયા-કયા ઠેકાણા હતા ચીનના નિશાના પર

આ ઉપગ્રહો ગુજરાતના ભુજ, નલિયા અને જામનગર જેવા વિસ્તારો પર દેખરેખ રાખી રહ્યા હતા. તેમના નિશાના પર અગ્રિમ હવાઈદળ મથકો, નૌકાદળના પ્રતિષ્ઠાનો અને જામનગર જેવા ઊર્જા કેન્દ્રો હતા. પાકિસ્તાન સરહદની નજીક આવેલા ભારતીય વાયુસેનાના વ્યૂહાત્મક ભુજ અને નલિયા હવાઈમથકો આ ઉપગ્રહોની સીધી દેખરેખ હેઠળ હતા. આ ઉપરાંત અરબી સમુદ્રની સુરક્ષામાં તૈનાત ભારતીય નૌકાદળના મુખ્ય કેન્દ્રો આઈએનએસ સરદાર પટેલ અને આઈએનએસ દ્વારકાની ગતિવિધિઓ પર પણ નજર રાખવામાં આવી રહી હતી. દેશની ઊર્જા સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ એવી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની જામનગર રિફાઇનરી, પેટ્રોકેમિકલ સંકુલ અને તેના બંદરો પણ જાસૂસી કરી રહેલા ચીની ઉપગ્રહોના દાયરામાં હતા.

7 મે ના રોજ જ બદલી નાખી હતી ઉપગ્રહોની ચાલ

22 એપ્રિલ 2025 ના રોજ પહલગામ ખીણમાં આતંકવાદી સંગઠન ટીઆરએફ દ્વારા ધર્મ પૂછીને 26 લોકોની હત્યા કરવામાં આવી હતી, જેના જવાબમાં ભારતે 7 મે ના રોજ ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું હતું. જે દિવસે ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું, તે જ દિવસે ચીનના ‘યાઓગાન-43 01જી’ ઉપગ્રહે પોતાની ભ્રમણકક્ષામાં ફેરફાર કર્યો હતો, જેથી તે ભારતીય લશ્કરી મથકો ઉપરથી પસાર થતી વખતે વધુ સમય સુધી દેખરેખ રાખી શકે.

અંતરિક્ષીય જાસૂસીનો જોખમી ત્રિકોણ

નિંગ્શિયા-14: આ ઇલેક્ટ્રોમેગ્નેટિક સંકેતો પર નજર રાખતો ઉપગ્રહ છે. જો કોઈ યુદ્ધજહાજ કે હવાઈ સંરક્ષણ પ્રણાલી પોતાનું રડાર ચાલુ કરે, તો તે તેના રેડિયો-ફ્રિકવન્સી સંકેતોને પકડીને તેનું ચોક્કસ સ્થાન શોધી કાઢે છે.

ગાઓફેન-11: 0.8 મીટરની અત્યંત ઝીણવટભરી તસવીરો લેવાની અદ્યતન ક્ષમતા ધરાવતો આ ઉપગ્રહ હવાઈપટ્ટી પર ઊભેલા અલગ-અલગ લડાકુ વિમાનો અને બંદર પર લાંગરેલા યુદ્ધજહાજો સુધીની સ્પષ્ટ તસવીરો ખેંચી શકે છે.

યાઓગાન-30: 30 ઉપગ્રહોનો આ સમૂહ આશરે 600 કિલોમીટરની ઊંચાઈ પર 35 ડિગ્રીના ઝુકાવ સાથે પૃથ્વીની પરિક્રમા કરે છે અને સતત રડાર તથા ઇલેક્ટ્રોનિક ગુપ્ત માહિતી એકત્ર કરે છે.