નવી દિલ્હી/બીજિંગ: ભારતે અરુણાચલ પ્રદેશનાં 27 સ્થળોને પોતાના સત્તાવાર નકશામાં સામેલ કરીને તેમને સત્તાવાર ઓળખ આપતાં ચીન અકળાયું છે. ચીને સોમવારે અરુણાચલ પ્રદેશમાં 27 સ્થળો અને ભૌગોલિક વિશેષતાઓને ભારતના સત્તાવાર નકશામાં તેમનાં પ્રમાણભૂત નામોથી ઓળખ આપવાના ભારતના પગલાને ‘ગેરકાયદે અને અમાન્ય’ ગણાવ્યું છે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને કહ્યું હતું કે ચીન ભારત દ્વારા ગેરકાયદે રીતે બનાવવામાં આવેલા કહેવાતા ‘અરુણાચલ પ્રદેશ’ને માન્યતા આપતું નથી. તેમણે દાવો કર્યો હતો કે આનાથી એ હકીકત પણ બદલાતી નથી કે જંગનાન વિસ્તાર ચીનનો છે. ચીન તિબેટને ‘શિજાંગ’ અને અરુણાચલ પ્રદેશને ‘જંગનાન’ કહે છે.
ગ્લોબલ ટાઇમ્સમાં ચીની નિષ્ણાતોની પ્રતિક્રિયા
ચીનના સરકારી મિડિયા ગ્લોબલ ટાઈમ્સે પણ લખ્યું છે કે ભારતના આ પગલાથી સરહદ પરની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. ભારતના સત્તાવાર નકશામાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) નજીકના લોંગ જુ સહિત 27 સ્થળોને સામેલ કરવામાં આવ્યાં છે. આ વિસ્તાર 1959માં ભારત અને ચીન વચ્ચે થયેલા સંઘર્ષનાં સ્થળોમાંનો એક હતો. અહેવાલ મુજબ ચીની નિષ્ણાતોએ ભારતના આ પગલાને પોતાને જ છેતરવા સમાન ગણાવ્યું છે. નિષ્ણાતોએ કહ્યું હતું કે આ પગલું બંને દેશોના સંબંધોમાં સુધારાના વાતાવરણને બગાડી શકે છે. તે સરહદ વિવાદોને યોગ્ય રીતે ઉકેલવાના પ્રયાસોને વધુ જટિલ બનાવી શકે છે.

અરુણાચલ મુદ્દે ચીનની જૂની ચાલ
ચીન અરુણાચલ પ્રદેશના અલગ-અલગ વિસ્તારો પર પોતાનો દાવો રજૂ કરવા માટે 2017થી સમયાંતરે ત્યાંનાં સ્થળોના ચીની નામ જાહેર કરતું રહ્યું છે. નામોની છેલ્લી યાદી આ વર્ષે એપ્રિલમાં જાહેર કરવામાં આવી હતી.
India is pushing back against China’s map games over Arunachal Pradesh. 🇮🇳
India has formally identified 27 locations and geographical features in Arunachal Pradesh by their standard names on the Survey of India’s official map.
The list includes mountain passes, a high-altitude… pic.twitter.com/aTK2Tgb3eL
— Military Observer (@TheMilObserverr) August 10, 2026
ભારતે ચીનની આ કવાયતને સ્પષ્ટપણે ફગાવી દીધી છે. ભારતે ડ્રેગનની આવી કાર્યવાહીનો કોઈ અર્થ નથી અને તેને બેહૂદી ગણાવી છે. ભારતીય વિદેશ મંત્રાલયનું કહેવું છે કે આવી કાર્યવાહીથી એ અડગ સત્ય બદલી શકાતું નથી કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન હિસ્સો હતો, છે અને રહેશે.




