બેઈજિંગ: ભારતીય નાગરિકોને આપવામાં આવતા વિઝા—ખાસ કરીને બિઝનેસ વિઝામાં ઘટાડો થયો હોવાના અહેવાલો વચ્ચે ચીને જણાવ્યું છે કે તે બંને દેશોના બિઝનેસ પ્રવાસીઓ માટે વિઝા વ્યવસ્થા સરળ બનાવવા ભારત સાથે કામ કરવા તૈયાર છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સમાચાર એજન્સી PTI ને લેખિત જવાબમાં જણાવ્યું હતું કે ચીન પોતાના કાયદા અને નિયમો અનુસાર યોગ્ય વિદેશી નાગરિકોને વિઝા આપે છે અને બંને પક્ષોના કારોબારીઓ માટે વિઝા પ્રક્રિયા સરળ બનાવવા ભારત સાથે સહયોગ કરવા તત્પર છે.
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ચીની રાજદ્વારી મિશનો દ્વારા ભારતીયોને ઓછા વિઝા અપાઈ રહ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ મહિને શાંઘાઈમાં યોજાયેલા ચાઈના ઈમ્પોર્ટ એક્સ્પોમાં ભાગ લેવા માટે પણ ઓછા ભારતીય કારોબારીઓને વિઝા મળ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત, ચીને ચાઈના વિઝા એપ્લિકેશન સેન્ટર મારફતે અરજીઓ સ્વીકારવાનું બંધ કર્યું છે અને વિઝાની વધતી માંગ વચ્ચે રાજદ્વારી મિશનો દ્વારા સીધી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
૨૦૨૦માં ગલવાન ખીણની અથડામણ બાદ બગડેલા સંબંધો સુધારવાના પ્રયાસોના ભાગરૂપે ભારતે ગયા વર્ષે જુલાઈમાં પાંચ વર્ષના વિરામ બાદ ચીની નાગરિકોને પ્રવાસી વિઝા ફરીથી આપવાનું શરૂ કર્યું હતું, ત્યારબાદ વિઝા પ્રક્રિયામાં સુધારો થયો હતો અને બેઈજિંગ તથા નવી દિલ્હી સહિતના શહેરો વચ્ચે સીધી ફ્લાઈટ્સ પણ શરૂ કરાઈ હતી. ભારતીય અધિકારીઓના જણાવ્યા અનુસાર, તાજેતરના મહિનાઓમાં ચીની નાગરિકો માટે વિઝા નકારવાનો દર ઘટીને લગભગ ૭ ટકા પર આવ્યો છે, જ્યારે ચીની દૂતાવાસે ગયા વર્ષે ડિસેમ્બરમાં ભારતીય અરજદારો માટે ઓનલાઈન વિઝા એપ્લિકેશન સિસ્ટમ શરૂ કરી હતી.
સપ્ટેમ્બરમાં નવી દિલ્હીમાં બ્રિક્સ (BRICS) સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થયેલી બેઠક બાદ દ્વિપક્ષીય સંબંધો અંગે પૂછવામાં આવતા ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે બંને નેતાઓ વચ્ચે મુખ્ય સમજ એ બની છે કે ચીન અને ભારતે ભાગીદાર બનવાની જરૂર છે, અને ચીન દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે કામ કરવા તૈયાર છે.




