અરુણાચલમાં ચીની સેનાએ કબજો કરી લીધો?

નવી દિલ્હીઃ ભારતીય સેનાએ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહેલા ડિજિટલ રીતે છેડછાડ કરાયેલા એક વિડિયોને નકલી ગણાવ્યો છે. આ વિડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચીને અરુણાચલ પ્રદેશના અસાફિલા, લોંગજુ અને તક્ષિંગ સર્કલ પર કબજો કરી લીધો છે અને આ વિસ્તારમાં તહેનાત ભારતીય સૈનિકોને જરૂરી સામાનનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. ભારતીય સેનાએ આ દાવાઓની હકીકત સ્પષ્ટ કરી છે. વિડિયોને નકલી ગણાવીને સેનાએ લોકોને આવા વિડિયો શેર કરતાં પહેલાં તેની સત્યતા તપાસવાની અપીલ કરી છે.

ભારતીય સેનાની સત્તાવાર ફેક્ટ-ચેક એકમ ‘Indian Army Fact Check’ (@MythbusterXX)એ સોશિયલ મિડિયા પર જાહેર ચેતવણી આપીને આ વિડિયોને ખોટો ગણાવ્યો છે. વિડિયોમાં વરિષ્ઠ સૈન્ય અધિકારી લેફ્ટનન્ટ જનરલ ગિરીશ કાલિયાને નામે કથિત નિવેદનો દર્શાવવામાં આવ્યાં છે. સેનાના જણાવ્યાનુસાર આ વિડિયોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી અવાજ અને હોઠની હિલચાલમાં ફેરફાર કરીને જૂના ફુટેજનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સેનાએ શું કહ્યું?

ભારતીય સેનાએ પોતાના સત્તાવાર સોશિયલ મિડિયા હેન્ડલ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે લેફ્ટનન્ટ જનરલ ગિરીશ કાલિયાના નામ સાથે જોડીને ડિજિટલ રીતે છેડછાડ કરાયેલો એક વિડિયો પ્રસારિત કરવામાં આવી રહ્યો છે. તેમાં ખોટો દાવો કરવામાં આવ્યો છે કે ચીને અરુણાચલ પ્રદેશના અસાફિલા, લોંગજુ અને તક્ષિંગ સર્કલ પર કબજો કરી લીધો છે અને ભારતીય સેનાના જવાનોને જરૂરી સામાનનો પુરવઠો કરવામાં આવી રહ્યો નથી.

સેનાના જણાવ્યાનુસાર આ ભ્રામક વિડિયોમાં એક વરિષ્ઠ ભારતીય સૈન્ય અધિકારીના કથિત નિવેદનને લીક થયેલી કબૂલાત તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ વિડિયોમાં સિન્થેટિક જનરેટેડ ઇન્ફોર્મેશન (#SyntheticGeneratedInformation)નો ઉપયોગ કરીને લેફ્ટનન્ટ જનરલ ગિરીશ કાલિયાના નામે ખોટાં નિવેદનો જોડવામાં આવ્યાં છે. સેનાએ સ્પષ્ટતા કરી હતી કે આ વીડિયોનું મૂળ ફૂટેજ 27 ઑક્ટોબર, 2023નું છે. તે સમયે જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં 28 ઇન્ફન્ટ્રી ડિવિઝનના તત્કાલીન જનરલ ઓફિસર કમાન્ડિંગ (GOC) મેજર જનરલ ગિરીશ કાલિયાએ પ્રેસ બ્રીફિંગ આપી હતી.

આ બ્રીફિંગમાં તેમણે નિયંત્રણ રેખા (LoC) પારથી ઘૂસણખોરીના પ્રયાસો અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ઘૂસણખોરીના 10 પ્રયાસોને નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા, 27 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા અને યુદ્ધમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી તેમ જ માદક પદાર્થો જપ્ત કરવામાં આવ્યા હતા. સેનાએ જણાવ્યું હતું કે આ પ્રેસ બ્રીફિંગમાં તેમણે અરુણાચલ પ્રદેશમાં ચીનના કબજા અથવા ભારતીય સૈનિકોને જરૂરી સામાનનો પુરવઠો બંધ કરવામાં આવ્યો હોવા અંગે કોઈ નિવેદન આપ્યું નહોતું.

ભારતીય સેનાનો સંદેશ સ્પષ્ટ છે: વાયરલ વિડિયોની સત્યતાની પુષ્ટિ કર્યા વિના તેને શેર કરશો નહીં.