અમદાવાદ: કર્મચારીઓ દ્વારા બે દાયકા પહેલા શરૂ કરાયેલી એક નાની પહેલ આજે ગુજરાતના સૌથી લાંબા સમય સુધી ચાલતા સ્વૈચ્છિક રક્તદાન અભિયાનોમાંની એક બની ગઈ છે. ચિરીપાલ ગ્રુપના પ્રમોટર બ્રિજમોહન ચિરીપાલના જન્મદિન પ્રસંગે, ગ્રુપે આ વર્ષની રક્તદાન ડ્રાઇવનો પ્રારંભ કરીને જાહેર આરોગ્ય અને સમાજ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી છે.
૨૬ સ્થળોએ યોજાશે રક્તદાન શિબિરો
એક મહિનો ચાલનારા આ અભિયાનનો પ્રારંભ પીપળજ (અમદાવાદ) સ્થિત નંદન ડેનિમના પ્લાન્ટ ખાતે કરવામાં આવ્યો હતો. સંસદસભ્ય દિનેશભાઈ મકવાણા અને જ્યોતિપ્રસાદ ચિરીપાલની ખાસ ઉપસ્થિતિમાં આ શિબિર ખુલ્લી મુકાઈ હતી. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, સર્વોદય બ્લડ સેન્ટર (હીરામણિ આરોગ્યધામ), ઝાયડસ હોસ્પિટલ, પ્રથમ બ્લડ સેન્ટર અને જીવરાજ મહેતા હોસ્પિટલના સહયોગથી આયોજિત આ અભિયાન ચિરીપાલ ગ્રુપના ૨૬ સ્થળો (કોર્પોરેટ ઓફિસો અને ઉત્પાદન એકમો) પર યોજાશે. જેમાં આશરે ૨૦,૦૦૦ કર્મચારીઓ ભાગ લેશે.
આ વર્ષે ૫,૦૦૦ યુનિટ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક
છેલ્લા ૨૦ વર્ષમાં આ વાર્ષિક રક્તદાન શિબિર દ્વારા ૫૫,૦૦૦ યુનિટથી વધુ રક્ત એકત્ર કરવામાં આવ્યું છે. આ વર્ષે ગ્રુપે આ પ્રવૃત્તિનો વ્યાપ વધારીને ૫,૦૦૦ યુનિટ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
સામાજિક જવાબદારી અને લોકભાગીદારી
આ માત્ર રક્તદાન શિબિર પૂરતું મર્યાદિત નથી, પરંતુ કંપનીની તે સંસ્કૃતિનું પ્રતીક છે જ્યાં કર્મચારીઓ દર વર્ષે એક ઉમદા સામાજિક કાર્ય માટે એકઠા થાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ ઝુંબેશનો વ્યાપ માત્ર ચિરીપાલ ગ્રુપ સુધી સીમિત ન રહેતા, નિવાસી સોસાયટીઓ અને ભાગીદાર સંસ્થાઓના સહયોગથી સામાન્ય જનતાને પણ જોડવામાં આવી રહી છે.
કંપની વિઝન:
આ ઝુંબેશ અંગે વાત કરતા ચિરીપાલ ગ્રુપના પ્રમોટર રોનક ચિરીપાલએ જણાવ્યું હતું કે, “આ ઝુંબેશ ચિરીપાલ ગ્રુપની એ ભાવના દર્શાવે છે જે માત્ર વ્યવસાય પૂરતી સીમિત ન રહેતા સમાજ માટે ઉપયોગી બનવામાં માને છે. ટેક્સટાઇલ, પેટ્રોકેમિકલ્સ અને રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોમાં યોગદાન સાથે ગ્રુપ સતત એવી પ્રવૃત્તિઓમાં રોકાણ કરી રહ્યું છે જે લોકોને કોઈ સદ્કાર્ય માટે એકસાથે લાવે છે.”
ચિરીપાલ ગ્રુપે આ વર્ષના અભિયાન સાથે પાત્રતા ધરાવતા નાગરિકો, સંસ્થાઓ અને રહેણાંક સોસાયટીઓને પણ આ સામાજિક કાર્યમાં જોડાવા માટે ખુલ્લું આમંત્રણ આપ્યું છે.






