મુંબઈમાં ચિત્રલેખા દ્વારા ‘હનુમાન અંશ’ ફિલ્મનું ખાસ પ્રાઈવેટ સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું. આ સ્ક્રીનિંગમાં ચિત્રલેખાના ચેરમેન મૌલિક કોટક, વાઈસ ચેરમેન મનન કોટક, રાજુલ કોટક, અદિતિ કોટક સહિત ચિત્રલેખા પરિવારના સભ્યો, ફિલ્મની આખી ટીમ અને કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.

નીમ કરોલી બાબાના જીવન પર આધારિત આ ફિલ્મનું નિર્માણ અને દિગ્દર્શન વિશાલ ચતુર્વેદીએ કર્યું છે, જ્યારે અભિનેતા શોભિનવ સત્ય ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે. સ્ક્રીનિંગ દરમિયાન શોભિનવ સત્ય, દિગ્દર્શક વિશાલ ચતુર્વેદી અને અભિનેત્રી પૂર્ણિમા ત્રિવેદી સહિત ફિલ્મની ટીમે ફિલ્મ સાથે જોડાયેલા પોતાના અનુભવો શેર કર્યા હતા.
શોભિનવ સત્યએ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા મળવા પાછળની રસપ્રદ ઘટના જણાવી હતી. તેમણે કહ્યું કે શરૂઆતમાં તેઓ આ ફિલ્મ સાથે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે જોડાયા હતા. ત્યારે તેમણે વિચાર્યું પણ નહોતું કે તેઓ આ જ ફિલ્મમાં અભિનેતા તરીકે અને તે પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ રિલીઝ થયા બાદ રાતોરાત લોકો તેમને અભિનેતા તરીકે ઓળખવા લાગ્યા હોવાનો અનુભવ પણ તેમણે શેર કર્યો હતો.

ફિલ્મના નિર્માણ દરમિયાન આવેલા પડકારો વિશે વાત કરતાં દિગ્દર્શક વિશાલ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે શૂટિંગ દરમિયાન અનેક મુશ્કેલીઓ આવી હતી, પરંતુ દરેક સમસ્યાનું નિરાકરણ કોઈક રીતે થઈ જતું હતું. તેમણે કહ્યું કે ફિલ્મના નિર્માણ દરમિયાન તેમની સાથે અનેક ચમત્કારિક અનુભવો પણ થયા છે.

વિશાલ ચતુર્વેદીએ વધુમાં જણાવ્યું હતું કે નવી પેઢી સુધી આપણી સંસ્કૃતિ, જીવનમૂલ્યો અને આદર્શવાદી સંતોની વાત પહોંચે તે હેતુથી આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમણે ફિલ્મને સિનેમાઘરોમાં સ્ક્રીન મળવામાં પડી રહેલી મુશ્કેલી અંગે પણ વાત કરી હતી. તેમના જણાવ્યા મુજબ, ‘બંટવારા 1947’ અને ‘આવારાપન 2’ને કારણે મુંબઈમાં ફિલ્મ માટે થિયેટર હોલ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. તેમણે દર્શકોને ફિલ્મ વિશે વધુમાં વધુ વાત કરવા અને તેને લોકો સુધી પહોંચાડવાની અપીલ કરી હતી.

નીમ કરોલી બાબાના જીવન અને વિચારો સાથે જોડાયેલી ‘હનુમાન અંશ’ ભગવાન હનુમાનજીની ભક્તિ, શક્તિ અને જીવનમૂલ્યોને કેન્દ્રમાં રાખે છે. ફિલ્મ શ્રદ્ધા, હિંમત અને સકારાત્મકતાનો સંદેશ આપવાનો પ્રયાસ કરે છે.




