9/11 ના હુમલા પહેલા ઓસામા બિન લાદેનની હિટલિસ્ટમાં હતું ભારત!

અમેરિકા પર થયેલા 9/11 આતંકવાદી હુમલાની 25મી વર્ષગાંઠ નિમિત્તે અમેરિકાની ગુપ્તચર એજન્સી સીઆઈએ (CIA) એ 100 થી વધુ પૃષ્ઠોનો એક અત્યંત સંવેદનશીલ ડીક્લાસિફાઇડ રિપોર્ટ જાહેર કર્યો છે. આ દસ્તાવેજોમાં અલ-કાયદા અને તેના આકા ઓસામા બિન લાડેનને લઈને અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. રિપોર્ટ અનુસાર, 11 સપ્ટેમ્બર 2001ના રોજ ન્યૂયોર્કના ટ્વિન ટાવર્સ પર હુમલો કરતા પહેલા લાડેને ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં મોટા આતંકી હુમલાઓ કરવાનું ષડયંત્ર રચ્યું હતું.

1998 ના CIA રિપોર્ટમાં ભારત આતંકી હિટલિસ્ટમાં

CIA એ તત્કાલીન અમેરિકી પ્રમુખ બિલ ક્લિન્ટન અને જ્યોર્જ ડબલ્યુ. બુશ માટે 28 ઓગસ્ટ 1998 ના રોજ ‘બિન લાડેન ટેરરિસ્ટ નેટવર્ક સ્ટીલ અ થ્રેટ’ શીર્ષક હેઠળ આ ગુપ્ત રિપોર્ટ તૈયાર કર્યો હતો. આ રિપોર્ટ મુજબ, અમેરિકા પહેલા અલ-કાયદાની હિટલિસ્ટમાં ભારત, ઇજિપ્ત, કુવૈત, સાઉદી અરેબિયા, યમન, યુગાન્ડા અને નાઇજીરિયા જેવા દેશો સામેલ હતા. લાડેને બ્રિટનને પણ પોતાનું નિશાન બનાવ્યું હતું અને વિશ્વભરના 60 દેશોમાં ફેલાયેલા પોતાના સ્લીપર સેલ્સને હુમલાનું પ્લાનિંગ કરવા સૂચના આપી હતી.

આફ્રિકામાં બોમ્બ ધડાકા બાદ અમેરિકાના મિસાઈલ હુમલા

CIA દસ્તાવેજો અનુસાર, ઓગસ્ટ 1998 માં કેન્યા અને તાંઝાનિયા સ્થિત યુએસ એમ્બેસી પર થયેલા વિસ્ફોટો બાદ અમેરિકાએ અફઘાનિસ્તાન અને સુદાનમાં અલ-કાયદાના ઠેકાણાઓ પર મિસાઈલ હુમલા કર્યા હતા. જોકે, તે સમયે લાડેન બચી નીકળ્યો હતો. ગુપ્તચર દસ્તાવેજો સ્પષ્ટ કરે છે કે 9/11 ના 3 વર્ષ પહેલાંથી જ અમેરિકાને લાડેનના ભારત પરના હુમલાના ઇરાદાની જાણ હતી, પરંતુ તે સમયે ભારત સ્થિત ચોક્કસ લક્ષ્યોના પુરાવા મળ્યા નહોતા.

9/11 નો ભયાનક હુમલો અને લાડેનનો અંત

11 સપ્ટેમ્બર 2001 ના રોજ અલ-કાયદાના 19 આતંકવાદીઓએ 4 પેસેન્જર વિમાનો હાઇજેક કરીને વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને પેન્ટાગોન પર ભયાનક આત્મઘાતી હુમલા કર્યા હતા, જેમાં લગભગ 3,000 લોકો માર્યા ગયા હતા. આ ભીષણ હુમલાના જવાબમાં અમેરિકાએ અફઘાનિસ્તાનમાં આતંકવાદ વિરોધી ઓપરેશન શરૂ કર્યું હતું અને આખરે 2 મે 2011 ના રોજ પાકિસ્તાનના એબટાબાદમાં ઘૂસીને અમેરિકી સીલ કમાન્ડોએ લાડેનને ઠાર માર્યો હતો.