સુપ્રીમ કોર્ટ સુધીની કૂચ પર CJIએ રાહુલ ગાંધીને લગાવી ફટકાર

નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને વિપક્ષી ગઠબંધનના અન્ય નેતાઓ સુપ્રીમ કોર્ટ પરિસરમાં પહોંચ્યા ત્યારે થયેલી નારેબાજી અને કથિત હોબાળાને મામલે આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આજે રાહુલ ગાંધીને ફટકાર લગાવી હતી. CJI સૂર્યકાંતે રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટ સુધીની કૂચનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ન્યાયતંત્રને કોઈ ધમકાવી શકે નહીં. તેમણે કહ્યું હતું કે ન્યાયપાલિકાને કોઈ ડરાવી કે ધમકાવી શકે નહીં. આવા પ્રયાસો અત્યંત નબળા હોય છે અને તેના પર કોઈ ધ્યાન આપતું નથી. તેમણે કહ્યું કે અમે વાસ્તવિક દુનિયાથી અલગ થઈને બેઠા નથી. અમને દરેક બાબતની જાણકારી છે.

 

વરિષ્ઠ વકીલ ગૌરવ ભાટિયાએ સુપ્રીમ કોર્ટ પરિસરમાં રાજકીય સરઘસ કાઢવા સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. તેમણે આને ન્યાયપાલિકાને ડરાવવા-ધમકાવવા અને તેના પર દબાણ લાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો. વિરોધ પ્રદર્શનને લઈને સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ આદેશ પણ આપ્યો છે. કોર્ટે તમામ કાનૂની એજન્સીઓને સીસીટીવી ફુટેજ અને તમામ ડિજિટલ રેકોર્ડ સુરક્ષિત રાખવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટ પરિસરના રેકોર્ડ પણ સાચવી રાખવા જણાવ્યું છે. ખાનગી પક્ષકારો પણ પોલીસને સંબંધિત સામગ્રી આપી શકે છે.

જંતર-મંતર વિરોધ પ્રદર્શન સ્થળ અંગે પહેલાં સરકારનો જવાબ જોઈશું: સુપ્રીમ કોર્ટ

જંતર-મંતર અંગે SG તુષાર મહેતાએ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશથી જંતર-મંતરને વિરોધ પ્રદર્શન સ્થળની યાદીમાંથી દૂર કરવામાં આવ્યું નથી. એક સમિતિએ આ અંગે ભલામણ કરી હતી. દિલ્હી પોલીસે જંતર-મંતરને વિરોધ પ્રદર્શન સ્થળોની યાદીમાંથી દૂર કરવાના નિર્ણય સામે દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે નોટિસ જારી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પહેલાં સરકારનો જવાબ જોવામાં આવશે. જો જવાબથી સંતોષ નહીં થાય, તો કાયદો પોતાનું કામ કરશે. જસ્ટિસ જોયમાલ્યા બાગચીએ કહ્યું કે જંતર-મંતરને વિરોધ પ્રદર્શન સ્થળ તરીકે દૂર કરવાનો નિર્ણય યોગ્ય વિચાર-વિમર્શ બાદ લેવામાં આવ્યો હતો કે નહીં, તેની તપાસ કોર્ટ કરશે.