નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આજે ઘૂસણખોરીને મુદ્દે સુનાવણી થઈ હતી. CJI સુર્યકાંતે આ મુદ્દે આકરી ટિપ્પણી કરી હતી. તેમણે ગેરકાયદે ઘૂસણખોરો અને રોહિંગ્યા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે ઘૂસણખોરો અહીં ઘૂસી આવશે અને પછી અધિકારો માગશે.
રોહિંગ્યા ઘૂસણખોરોને ડિટેન્શનથી ગાયબ થઈ જવાને મામલે હેબિયસ કોર્પ્સ અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીકર્તાઓનું કહેવું હતું કે કેન્દ્ર સરકારે આ રોહિંગ્યાના ડિટેન્શન અને ડિપોર્ટેશન (દેશનિકાલ) વિશેની માહિતી આપવી જોઈએ, પરંતુ કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ તેનો વિરોધ કર્યો હતો.
CJIની આકરી ટિપ્પણી
CJI સૂર્યકાંતે કહ્યું હતું કે ઉત્તર ભારત તરફ અમારી સરહદ ખૂબ સંવેદનશીલ છે અને દેશની હાલની પરિસ્થિતિ અંગે તમામને ખબર છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો. શું તમે ઇચ્છો છો કે તેમના માટે લાલ કાર્પેટ પાથરી દઈએ? તેઓ સુરંગો મારફતે પ્રવેશ કરે અને પછી ખોરાક, આશ્રય, બાળકોના શિક્ષણ જેવા અધિકારો માગે?
મુખ્ય ન્યાયાધીશે વધુમાં કહ્યું હતું કે શું આપણે કાયદાને એટલો ખેંચી શકીએ? શું આપણાં ગરીબ બાળકો આ સુવિધાઓના હકદાર નથી? આવા કેસોમાં હેબિયસ કોર્પ્સની માગ કરવી ખૂબ કલ્પનાશીલ છે.
કોર્ટનો નિર્ણય
સુપ્રીમ કોર્ટે એ અરજી પર તરત સુનાવણી કરવાનો ઇનકાર કર્યો અને કહ્યું હતું કે 16 ડિસેમ્બરે ફરીથી સુનાવણી માટે આવવું. કોર્ટે નોટિસ જારી કરવાની પણ ના પાડી હતી. સુપ્રીમ કોર્ટે રોહિંગ્યાને શરણાર્થી કહેવાને મુદ્દે પણ સવાલ કર્યો અને પૂછવામાં આવ્યું હતું કે શું ઘૂસણખોરોને શરણાર્થીનો દરજ્જો આપી શકાય? જો કોઈ દેશની સરહદ તોડી અહીં ઘૂસી આવે, તો શું તેને ભારતમાં રહેવાનો અધિકાર આપી શકાય? એવો સવાલ તૈયાર કર્યો હતો.


