નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતએ વોટ્સએપ (WhatsApp–Meta) ડેટા શેરિંગ મામલે અત્યંત કડક વલણ અપનાવતા ટેક કંપનીઓને મોટી ચેતવણી આપી છે. નાગરિકોની ખાનગી માહિતી (પ્રાઇવસી) બાબતે કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે કોઈ પણ કિંમતે પ્રાઇવસી સાથે સમજૂતી કરવામાં નહીં આવે. CJIએ મેટાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જો કોઈ કંપની ભારતના બંધારણ અને કાયદાઓનું પાલન કરી શકતી ન હોય, તો તેના માટે રસ્તો ખૂબ સ્પષ્ટ છે — તે ભારત છોડીને જઈ શકે છે. કોર્ટે જણાવ્યું હતું કે પ્રાઇવસીનો અધિકાર કોઈ વૈકલ્પિક બાબત નથી, પરંતુ બંધારણ દ્વારા આપવામાં આવેલો મૂળભૂત અધિકાર છે.
આ મામલે સુપ્રીમ કોર્ટે ભારતીય સ્પર્ધા પંચ (CCI) દ્વારા લાદવામાં આવેલા દંડ અંગે પણ સૂચનાઓ આપી છે. કોર્ટે કહ્યું હતું કે મેટા દ્વારા જમા કરાયેલો દંડ હાલ જમા રહેશે, પરંતુ આગામી આદેશ સુધી તે ઉપાડી શકાશે નહીં. કોર્ટે તમામ પક્ષોને તેમની દલીલો રજૂ કરવા માટે ચાર સપ્તાહનો સમય આપ્યો છે. જોકે સંદેશ સ્પષ્ટ છે કે ભારતમાં વ્યવસાય કરતી કોઈ પણ ટેક કંપનીએ અહીંના નાગરિકોના ડિજિટલ અધિકારોનો આદર કરવો જ પડશે.
આ દલીલ પર CJI ભડકી ઉઠ્યા
આ સુનાવણી દરમિયાન જ્યારે મેટાના વકીલે ‘ઓપ્ટ-આઉટ’ એટલે કે સેવામાંથી બહાર નીકળવાના વિકલ્પની દલીલ રજૂ કરી, ત્યારે CJI નારાજ થઈ ગયા. તેમણે સવાલ કર્યો કે શું આ કોઈ વિકલ્પ કહેવાય કે યુઝર સેવા છોડે અને તેમ છતાં તેનો ડેટા શેર કરવામાં આવે? કોર્ટે કડક શબ્દોમાં કહ્યું કે અમે ભારતીય નાગરિકોની એક પણ માહિતી શેર કરવાની પરવાનગી આપવાના નથી. કોર્ટે મેટાને સ્પષ્ટ રીતે ડેટા શેર ન કરવાની ખાતરી આપવા આદેશ આપ્યો છે, નહિતર કડક કાર્યવાહી કરવામાં આવશે.
આગામી સુનાવણી પર સૌની નજર
હવે આ મહત્વપૂર્ણ મામલો ત્રણ ન્યાયાધીશોની વિશેષ બેન્ચ પાસે અંતિમ સુનાવણી માટે મોકલવામાં આવ્યો છે. આગામી સુનાવણીમાં ડેટા ગોપનીયતા અને ટેક કંપનીઓની જવાબદારી અંગે ઐતિહાસિક ચુકાદો આવવાની સંભાવના છે. સુપ્રીમ કોર્ટનું આ વલણ દર્શાવે છે કે ભારત સરકાર અને ન્યાયતંત્ર હવે ડેટા સુરક્ષા મુદ્દે અત્યંત ગંભીર છે.


