નવી દિલ્હીઃ કોક્રોચ જનતા પાર્ટી (CJP)એ સોશિયલ મિડિયા ઇન્ફ્લુએન્સર સ્વતંત્ર ભારદ્વાજની ધરપકડની માગ કરી છે. આરોપ છે કે ભારદ્વાજે ગયા મહિને જંતર-મંતર પર પ્રદર્શન કરી રહેલા એક વ્યક્તિના પિતા પર હુમલો કરવાની વાત કથિત રીતે સ્વીકારી હતી. CJPના પ્રવક્તા સૌરવ દાસ, સહ-સંયોજક આશુતોષ રાંકા અને અન્ય સમર્થકો ભારદ્વાજની ધરપકડની માં સાથે દિલ્હીના પટેલ ચોકથી સંસદ માર્ગ પોલીસ સ્ટેશન સુધી માર્ચ કરીને પહોંચ્યા હતા.
સૌરવ દાસે કહ્યું હતું કે એક સગીર યુવતી પહેલેથી જ અમારા પ્રદર્શન સાથે જોડાયેલી છે. તેના પિતા સંજયજી પણ તેની સાથે આવે છે. જ્યારે અમે શાંતિપૂર્ણ ધરણાં કરી રહ્યા હતા, ત્યારે એક ગુનાહિત ટોળકીના કેટલાક લોકો અમારા પ્રદર્શનમાં ઘૂસી આવ્યા અને હિંસા કરવા લાગ્યા હતા. FIR નોંધાયા બાદ પણ અમે પોલીસ પર દબાણ જાળવી રાખ્યું હતું. અમે કહ્યું હતું કે આ હત્યાના પ્રયાસનો મામલો છે અને સંબંધિત કલમ ઉમેરવી જોઈએ. અમે SC/ST એક્ટ લાગુ કરવાની પણ માગ કરી હતી, કારણ કે તેઓ દલિત પરિવારના છે. આ મામલામાં જાતિનું પણ પાસું છે. પરંતુ પોલીસે આવું કોઈ પગલું લીધું નહીં. જ્યારે અમે પોલીસ પર દબાણ કર્યું ત્યારે તેમણે અમને કોર્ટમાં જઈને આદેશ મેળવવાનું કહ્યું હતું.
લગભગ 50 CJP સમર્થકો પોલીસ સ્ટેશનની બહાર પ્રદર્શન કરી રહ્યા છે, જ્યારે આશુતોષ રાંકા અને સૌરવ દાસ ભારદ્વાજની ધરપકડ અંગે પોલીસ સાથે વાતચીત કરી રહ્યા છે. પાર્ટીના પ્રવક્તા આશુતોષ રાંકાએ કહ્યું, “જંતર-મંતર પર પ્રદર્શન દરમિયાન અમારી સાથી નિશુ આઝાદ અને તેમના પિતા સંજયજી સાથે મારપીટ કરવામાં આવી અને તેમનું માથું ફોડી નાખવામાં આવ્યું. આ ઘટના ખુલ્લેઆમ બની હતી.

દિલ્હી પોલીસે આરોપોને ફગાવ્યા
દિલ્હી પોલીસે ગુરુવારે CJPના 23 જૂને જંતર-મંતર પર યોજાયેલા પ્રદર્શન દરમિયાન થયેલી કથિત મારપીટની ઘટનાની તપાસમાં રાજકીય હસ્તક્ષેપના આરોપોને ફગાવી દીધા હતા. પોલીસે કહ્યું હતું કે કેસમાં આરોપી બનાવવામાં આવેલા બંને લોકો સામે કાયદા અનુસાર કાર્યવાહી કરવામાં આવી છે.




