CJP 2 ઓક્ટોબરે દિલ્હીથી નહીં, મુંબઈથી શરૂ કરશે દેશવ્યાપી આંદોલન

મુંબઈ / નવી દિલ્હી: મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે કૉકરોચ જનતા પાર્ટી (CJP) એ ફરી એકવાર આંદોલનની ચીમકી આપી છે. CJPના સ્થાપક અભિજીત દીપકે જાહેરાત કરી છે કે જો જ્ઞાનેશ કુમાર શનિવાર સુધીમાં રાજીનામું નહીં આપે, તો પાર્ટી આગામી 2 ઓક્ટોબર (ગાંધી જયંતી)ના રોજ મુંબઈથી દેશવ્યાપી વિરોધ પ્રદર્શનની શરૂઆત કરશે.

અભિજીત દીપકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગે માહિતી આપતા લખ્યું, “જો જ્ઞાનેશ કુમાર આવતીકાલ સુધીમાં રાજીનામું નહીં આપે, તો CJP 2 ઓક્ટોબરે મુંબઈથી પોતાનું દેશવ્યાપી આંદોલન શરૂ કરશે અને તેને દેશના વિવિધ શહેરો સુધી લઈ જશે. આ ગાંધી જયંતી પર ચાલો લોકશાહી બચાવવાનો સંકલ્પ લઈએ.”

CJPના સંસ્થાપક અભિજિત દીપકેએ પ્રેસ કૉન્ફરન્સ યોજીને 48 કલાકમાં રાજીનામું આપવાની માંગ કરી હતી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર વિરોધ પ્રદર્શનની તારીખ તથા સ્થળનું સત્તાવાર એલાન કર્યું છે.

CJP દ્વારા ગુરુવારથી ખાસ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન SIR પ્રક્રિયા દરમિયાન દેશના 30 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી 13 કરોડથી વધુ નામો રદ કરવાના વિવાદાસ્પદ મુદ્દા પર કેન્દ્રિત છે. દીપકેએ ગંભીર આક્ષેપ કર્યો છે કે ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિ આચરવામાં આવી રહી છે અને સામાન્ય નાગરિકો પાસેથી મતદાનનો મૂળભૂત અધિકાર છીનવાઈ રહ્યો છે.

CJP ની મુખ્ય ૩ માંગણી

૧. CEC જ્ઞાનેશ કુમાર તુરંત રાજીનામું આપે અને તેમની સામે ગુનાહિત કાર્યવાહી શરૂ કરવામાં આવે.

૨. આગામી ચૂંટણીઓ સ્થગિત કરવામાં આવે, મતદાર યાદીઓની ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) ની પ્રક્રિયા ફ્રીઝ કરીને જાન્યુઆરી 2025 ની મતદાર યાદી બહાલ કરવામાં આવે.

૩. ચૂંટણી કમિશનરોની નિમણૂક અંગેના 2023 ના કાયદાને રદ કરીને સિવિલ સોસાયટીની ભાગીદારી ધરાવતો નવો કાયદો લાવવામાં આવે.

અભિજીત દીપકે ચેતવણી આપી છે કે મુંબઈથી શરૂ થનારું આ આંદોલન ટૂંક સમયમાં જ દિલ્હી પહોંચશે અને ‘જંતર મંતર 2.0’ નું રૂપ ધારણ કરશે.