CJPનું એલાન: 26 જુલાઈએ દેશભરમાં કાઢવામાં આવશે કેન્ડલ માર્ચ

નવી દિલ્હીઃ CJPએ રવિવાર, 26 જુલાઈએ દેશભરમાં કેન્ડલ માર્ચ યોજવાનું આહવાન કર્યું છે. પાર્ટીના જણાવ્યા મુજબ આ કેન્ડલ માર્ચ સાંજે છ વાગ્યે યોજાશે અને તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાય તેવી અપેક્ષા છે. પાર્ટીએ પોતાના સમર્થકો, વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને સામાન્ય નાગરિકોને આ કાર્યક્રમમાં શાંતિપૂર્ણ રીતે ભાગ લેવા અપીલ કરી છે.પાર્ટીએ જણાવ્યું છે કે માર્ચ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રીતે યોજવામાં આવશે અને તમામ ભાગ લેનારાઓને કાયદાનું પાલન કરવા તેમ જ શાંતિ જાળવવા વિનંતી કરવામાં આવી છે. CJP એ દેશનાં વિવિધ શહેરો અને રાજ્યોમાં લોકોને સાંજે છ વાગ્યે યોજાનારા કેન્ડલ માર્ચમાં જોડાઈને પોતાનું સમર્થન વ્યક્ત કરવા અનુરોધ કર્યો છે.

દિલ્હી પોલીસ લોકોને અટકાવવાનું અને ડરાવવાનું બંધ કરે: CJP

CJPએ દિલ્હી પોલીસને તાત્કાલિક અસરથી નાગરિકોને જંતર-મંતર પહોંચતા અટકાવવાનું, તેમને ડરાવવાનું અથવા અટકાયતમાં લેવાનું બંધ કરવાની માગ કરી છે. પાર્ટીનો આરોપ છે કે વિરોધ પ્રદર્શન સ્થળની આસપાસ “ભય અને ઘેરાબંધી” જેવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. CJPના પ્રવક્તા સૌરવ દાસે X પર શેર કરાયેલી એક પોસ્ટમાં પાર્ટીનું નિવેદન શેર કરતાં જણાવ્યું હતું કે
મહત્વપૂર્ણ નિવેદન: કોકરોચ જનતા પાર્ટી @DelhiPolice ને માગ કરે છે કે તેઓ નાગરિકોને જંતર-મંતર પહોંચતા ગેરકાયદે રીતે અટકાવવાનું, ડરાવવાનું અથવા રોકવાનું તરત બંધ કરે અને જંતર-મંતરની આસપાસ ભય અને ઘેરાબંધીનું વાતાવરણ ઊભું કરવાનું ટાળે.

મોદીજીની રીલ્સ ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓને રોકી શકશે નહીં: CJP

CJPના આશુતોષ રાંકાએ કહ્યું: જો મોદીજી રાત્રે રીલ્સ બનાવી રહ્યા છે, તો તે સ્પષ્ટ દર્શાવે છે કે વ્યવસ્થામાં ઊથલપાથલ ચાલી રહી છે. પહેલા તમે જે ‘કઠોર પગલાં’ લેવાની વાત કરી હતી તે લો અને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું અપાવો. ત્યાર બાદ રીલ્સ બનાવો, અમે તેને પણ શેર કરીશું.

તાજેતરના એક વિડિયોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો, જેમણે તેમનો અગાઉનો સંદેશ જોયો હતો અને સકારાત્મક સૂચનો આપ્યાં હતાં.