CJPના આશુતોષ રાંકાની કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહને માનહાનિની નોટિસ

નવી દિલ્હીઃ કોક્રોચ જનતા પાર્ટી (CJP)ના લીગલ સેલે પાર્ટીના નેતા આશુતોષ રાંકા વતી કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહને માનહાનિની નોટિસ મોકલી છે. આ નોટિસ રાંકા વિશે પાકિસ્તાની નેતાઓ પાસેથી નાણાં મળ્યાની કથિત ટિપ્પણી બદલ મોકલવામાં આવી છે.

એડવોકેટ અભિક ચિમનીએ આ નોટિસ મોકલી છે. આ નોટિસ ત્રીજી નવેમ્બરે બેંગલુરુમાં ભાજપની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જિતેન્દ્ર સિંહે કરેલી ટિપ્પણીઓ સાથે સંબંધિત છે. આ નોટિસ અનુસાર કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે આશુતોષ રાંકાને પાકિસ્તાની નેતાઓએ પૈસા આપ્યા હતા અને તેમને તેમના હેન્ડલર સાનિયા પાસેથી પણ પૈસા મળી રહ્યા હતા, જ્યારે ઓપરેશન સિંદૂરને પણ ફંડિંગ મળી રહ્યું હતું.

આશુતોષ રાંકાએ પોતાની પોસ્ટમાં શું કહ્યું?

જોકે આશુતોષ રાંકાએ કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહના આ તમામ આરોપોને પાયાવિહોણા અને ખોટા ગણાવ્યા છે. આશુતોષ રાંકાએ સોશિયલ મિડિયા પોસ્ટમાં લખ્યું હતું કે મેં કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહને કાનૂની નોટિસ મોકલી છે. તેમણે મારા વિશે અત્યંત વાંધાજનક ટિપ્પણી કરતાં કહ્યું હતું કે મને ‘પાકિસ્તાનમાંથી ફંડ’ મળ્યું છે. રાંકાએ કહ્યું હતું કે આ અહંકારી અને અભણ રાજકારણીઓનાં બાળકોની જેમ મને બધું વારસામાં મળ્યું નથી. મેં IIT કાનપુર અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં મારી મહેનત અને ક્ષમતાને આધારે પ્રવેશ મેળવ્યો હતો. મેં મેકિન્સે (McKinsey)માં સારી પગારવાળી નોકરી અને લંડનમાં આરામદાયક જીવન છોડીને મારા દેશની સેવા કરવા માટે પરત આવવાનું પસંદ કર્યું. છેલ્લાં બે વર્ષથી હું જાહેર જીવનમાં સખત મહેનત કરી રહ્યો છું, જેથી ભારતના લોકો સાથે જોડાયેલા મુદ્દાઓ ઉઠાવી શકું.

નોટિસમાં આગળ શું કહેવામાં આવ્યું?

નોટિસમાં કહેવામાં આવ્યું છે કે આશુતોષ રાંકાના નાણાકીય રેકોર્ડ પારદર્શક છે અને છેલ્લા બે વર્ષ દરમિયાન તેમને મળેલી તમામ રકમ કાયદેસરની વ્યાવસાયિક આવક છે. આ આવક નિયમિત બેંકિંગ માધ્યમો દ્વારા પ્રાપ્ત થઈ છે, તેમના આવકવેરા રિટર્ન (ITR)માં દર્શાવવામાં આવી છે અને તેના પર કર ચૂકવવામાં આવે છે.