નવી દિલ્હી: કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સહ-સંયોજક અને પ્રવક્તા સૌરવ દાસે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા તેમને લંડન જતી ફ્લાઇટમાં ચડતા અટકાવવામાં આવ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. આ ઘટના બાદ તેમણે કેન્દ્ર સરકાર અને મોદી સરકાર પર આકરા પ્રહાર કરતા સવાલ ઉઠાવ્યો છે કે, “શિક્ષિત યુવાનો બૌદ્ધિક ચર્ચા કરવા જાય તેનાથી સરકાર આટલી બધી કેમ ડરેલી છે?”
સૌરવ દાસના જણાવ્યા અનુસાર, તેઓ ઓક્સફોર્ડ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનના આમંત્રણ પર ‘કોકરોચ મૂવમેન્ટ’ અંગે પેનલ ચર્ચામાં ભાગ લેવા માટે લંડન જઈ રહ્યા હતા, તેમજ તેમને કેમ્બ્રિજ, લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ (LSE) અને યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ તરફથી પણ આમંત્રણ મળ્યા હોવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે સોમવારે રાત્રે ૧:૦૦ વાગ્યાની ફ્લાઇટ માટે ઇમિગ્રેશન કાઉન્ટર પર પહોંચ્યા ત્યારે તેમને જાણ થઈ કે તેમનો પાસપોર્ટ ફ્લેગ થયો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ અને ઇન્સ્ટાગ્રામ પર પ્રતિક્રિયા આપતા તેમણે કટાક્ષ કર્યો હતો કે, “હું ઇચ્છું છું કે હું નીરવ મોદી અથવા વિજય માલ્યા હોત અને બેંકોમાંથી હજારો કરોડો રૂપિયા લૂંટીને ભાગ્યો હોત.”
બીજી તરફ, સુરક્ષા વ્યવસ્થા સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રાદેશિક પાસપોર્ટ કચેરી (RPO) દ્વારા સૌરવ દાસને ઓળખ દસ્તાવેજોમાં રહેલી વિસંગતતાઓ (જેમ કે જન્મતારીખની અસમાનતા) અંગે કારણદર્શક નોટિસ (શો-કોઝ નોટિસ) પાઠવવામાં આવી હતી અને વિસંગતતાઓ દૂર ન થાય ત્યાં સુધી પાસપોર્ટનો ઉપયોગ મુસાફરી માટે ન કરવા જણાવાયું હતું, પરંતુ તેમણે તેનો જવાબ આપ્યો ન હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે સૌરવ દાસ અને અન્ય CJP કાર્યકરો અગાઉ ચૂંટણી પંચ અને મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) વિરુદ્ધના વિરોધ પ્રદર્શન સંબંધિત કેસમાં તિહાર જેલમાં હતા અને ઓક્ટોબર ૨૦૨૬માં જામીન પર મુક્ત થયા હતા. આ ઘટનાથી અટક્યા વિના ભવિષ્યમાં લંડન, પેરિસ સહિતના સ્થળોએ પ્રવાસ કરવાનો દાવો દાસે કર્યો છે, જ્યારે CJPના અન્ય કાર્યકર અભિજિત દીપકે પણ સરકાર પર શિક્ષિત અવાજો દબાવવાનો આરોપ લગાવ્યો છે.




