માલદાની અદિના મસ્જિદ ‘આદિનાથ શિવ મંદિર’ હોવાનો દાવો

માલદાઃ પશ્ચિમ બંગાળના માલદા (પાંડુઆ) સ્થિત લગભગ 650 વર્ષ જૂની અદિના મસ્જિદને ‘આદિનાથ શિવ મંદિર’ હોવાનું કહેવામાં આવતાં વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. રાજ્યસભાના સભ્ય અને ભાજપના પશ્ચિમ બંગાળ પ્રદેશ અધ્યક્ષ શમિક ભટ્ટાચાર્યે સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યા બાદ હિંદુ સંગઠનોએ મંદિર પરત આપવાની માગ વધુ તેજ કરી છે. આ માગને લઈને તણાવમાં વધારો થયો છે. ‘હિંદુ સુરક્ષા સમિતિ’ નામના સંગઠને શ્રાવણના સોમવારે વિવાદિત મસ્જિદથી થોડે અંતરે ભગવાન શિવના રુદ્રાભિષેક અને વિશેષ પૂજાનું આહવાન કર્યું છે. ત્યારથી સમગ્ર વિસ્તારમાં સંવેદનશીલતા વધી ગઈ છે.

રાજ્યસભામાં ઊઠ્યો હતો મુદ્દો

તાજેતરમાં પશ્ચિમ બંગાળમાંથી રાજ્યસભાના સભ્ય અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ શમિક ભટ્ટાચાર્યે રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યાર બાદ હિંદુ સંગઠનોએ મંદિર પરત મેળવવાની માગ વધુ જોરશોરથી શરૂ કરી છે.

છાવણીમાં ફેરવાયો વિસ્તાર, 300 પોલીસ કર્મચારીઓ અને ડ્રોન તૈનાત

હિંદુ સુરક્ષા સમિતિ નામના સંગઠને આજે મસ્જિદની બહાર શિવપૂજાનું આહવાન કર્યું છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સમગ્ર વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે. માલદા જિલ્લાના એસપી અનુપમ સિંહે જણાવ્યું હતું કે સુરક્ષાનો પૂરતા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. 300 પોલીસ કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા છે. કેન્દ્રીય દળોની પણ નિમણૂક કરવામાં આવી છે. ડ્રોન દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. આ સમગ્ર વિવાદ હાલમાં કલકત્તા હાઈકોર્ટ સમક્ષ વિચારાધીન છે. મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને અદાલતે હાલ માટે યથાસ્થિતિ (Status Quo) જાળવવાનો આદેશ આપ્યો છે.

માળખામાં ગણેશજીની મૂર્તિ અને શિવલિંગ હોવાનો દાવો

હિંદુ સંગઠનોનું માનવું છે કે બંગાળ સલ્તનતના સમયમાં 1364 થી 1374 ઈસવી દરમિયાન નિર્મિત આ મસ્જિદ બંગાળમાં ટેરાકોટા શૈલીની સજાવટ ધરાવતી પ્રથમ ઇસ્લામિક રચના માનવામાં આવે છે. મુખ્યત્વે સળગાવેલી માટીની ઈંટો તથા ચૂનો અને ઈંટની ધૂળ મિશ્રિત મોર્ટારથી તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. મસ્જિદમાં મધ્ય એશિયાઈ સ્થાપત્ય શૈલી અને સ્થાનિક કલાત્મક પરંપરાઓનું સંયોજન જોવા મળે છે.

તેની સજાવટમાં ગુલાબની પાંખડીઓ, જ્યોમેટ્રિક ડિઝાઇન, લટકતા દીવાઓ અને વાંસળી જેવા આકારોનો સમાવેશ થાય છે. ઉપરાંત પાલ-સેના કાળના સ્થાપત્ય તત્વો જેમ કે ચૈત્ય બારીઓ, સાંકળોની હરોળ, મંદિરની ઘંટાકાર ડિઝાઇન અને કમળની પાંખડીઓ જેવા નમૂનાઓ પણ જોવા મળે છે. કેટલાક હિંદુ સંગઠનોનો દાવો છે કે ત્યાં ગણેશજીની મૂર્તિ અને શિવલિંગ પણ હાજર છે.

ASI સંરક્ષિત સ્મારક અને 1991નો કાયદો

અદિના મસ્જિદ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા સંરક્ષિત સ્મારક છે. 1991ના ‘Places of Worship Act’ મુજબ કોઈ પણ ધાર્મિક સ્થળના ધાર્મિક સ્વરૂપ (કેરેક્ટર)માં ફેરફાર કરી શકાતો નથી.