હિમાચલ પ્રદેશના કુલુમાં વાદળ ફાટ્યું: ભારે વરસાદનું એલર્ટ

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશના કુલુમાં ક્લાઉડબર્સ્ટની ઘટના બની છે. કેન્દ્રીય જળ પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિ થયાની ખબર નથી. ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) કુલુ અનુસાર પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને અસરગ્રસ્ત વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે. હવામાન વિભાગ (IMD)એ હિમાચલ પ્રદેશના અનેક જિલ્લાઓ માટે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

IMD શિમલા કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક સંદીપ કુમાર શર્માએ જણાવ્યું કે નવ ઓગસ્ટ માટે કાંગરા, ઊના અને સિરમૌર જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યો છે. તેમણે એ પણ જણાવ્યું કે 10 ઓગસ્ટની રાતથી 11 ઓગસ્ટની સવાર સુધી વરસાદની પ્રવૃત્તિઓ ફરી તેજ થવાની શક્યતા છે.

રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી- SEOCના જણાવ્યા મુજબ ભારે વરસાદને કારણે રાજ્યના આધુનિક માળખાને ભારે નુકસાન થયું છે. કુલ 357 રસ્તાઓ અવરોધાયેલા છે. 599 વીજ વિતરણ ટ્રાન્સફોર્મર (DTRs) બંધ થઈ ગયા છે અને 177 પાણીપુરવઠાની યોજનાઓ પ્રભાવિત થઈ છે. રાજ્યમાં મંડી જિલ્લો સૌથી વધારે અસરગ્રસ્ત થયો છે, જ્યાં સૌથી વધુ 206 રસ્તાઓ બંધ છે અને 204 વીજ ટ્રાન્સફોર્મર ખરાબ થયાં છે.

રાજ્યમાં અત્યાર સુધી 208 લોકોનાં મોત

રાજ્યના SDMAના તાજા આંકડા મુજબ આ મોસમમાં અત્યાર સુધી કુલ 208 લોકોનાં મોત થયાં છે, જેમાંથી 112 લોકોનાં મોત ભૂસ્ખલન, અચાનક આવેલા પૂર અને મકાન ધરાશાયી થવા જેવી વરસાદ સંબંધિત આફતોને કારણે થયા છે, જ્યારે 96 મોત માર્ગ અકસ્માતોમાં થયા છે. આ અકસ્માતોનું મુખ્ય કારણ ખરાબ આબોહવા અને ભીની થયેલી ગયેલી સડકોને માનવામાં આવી રહ્યું છે.