અમદાવાદ: સંત શ્રી જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતિ નિમિત્તે અમદાવાદના મેમનગર વિસ્તારમાં ભક્તિભાવપૂર્વક ભવ્ય શોભાયાત્રા અને મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશેષ ઉપસ્થિત રહી પૂજ્ય જલારામ બાપાના દર્શન અને પૂજા-અર્ચના કરી હતી.
મેમનગર સ્થિત ગુણાતીત નગર પાસે, વિવેકાનંદ ચોક, ગુરુકુલ ખાતે ‘સેવા સિનીયર સીટીઝન ગ્રુપ’ દ્વારા આ મહોત્સવ યોજાયો હતો. મુખ્યમંત્રીએ બાપાના ચરણોમાં શીશ ઝુકાવી સમગ્ર રાજ્યની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે તેમણે શોભાયાત્રામાં જોડાયેલા સર્વે જ્ઞાતિના ભક્તજનો અને નગરજનોનું અભિવાદન ઝીલી જલારામ જયંતિની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
કાર્યક્રમ દરમિયાન સમાજના અગ્રણીઓ અને સિનીયર સીટીઝન ગ્રુપ દ્વારા મુખ્યમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. ભૂપેન્દ્રભાઈએ સેવા સિનીયર સીટીઝન ગ્રુપ દ્વારા કરવામાં આવતી વિવિધ સામાજિક, ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓની મુક્તકંઠે સરાહના કરી હતી.
આ ભવ્ય શોભાયાત્રા અને જન્મજયંતિ મહોત્સવમાં લોહાણા સમાજના અગ્રણીઓ, સ્થાનિક નગરસેવકો, સામાજિક કાર્યકર્તાઓ તેમજ સેવા સિનીયર સીટીઝન ગ્રુપના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સભ્યો સહિત મોટી સંખ્યામાં ભક્તજનો અને સ્થાનિક રહીશો ઉત્સાહભેર સહભાગી થયા હતા.






