દાહોદ : મુખ્યમંત્રીનો કાફલો પસાર થાય અને ગામના લોકો તેમને માત્ર દૂરથી જ નિહાળે, સામાન્ય રીતે આવું દૃશ્ય જોવા મળતું હોય છે. પરંતુ જિલ્લાના પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોઈ પૂર્વ આયોજન વિના અચાનક એક આદિવાસી ખેડૂતના ઘરે પહોંચી ગયા હતા અને પરિવાર સાથે ખેતીથી લઈને બાળકોના અભ્યાસ સુધીની વાતો કરી હતી. મુખ્યમંત્રીના આ સાદગીભર્યા અંદાજથી ગામના લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
મુખ્યમંત્રી દાહોદ જિલ્લાના ત્રણ દિવસના પ્રવાસે છે. પ્રવાસના બીજા દિવસે તેમણે રતનમહાલની મુલાકાત લીધી હતી. અહીં તેમણે રતનમહાલ વિસ્તારમાં રહેતા ચાર ગામના લોકો સાથે બેઠક કરીને તેમની સાથે સીધો સંવાદ કર્યો હતો. આ મુલાકાત દરમિયાન તેમણે સ્થાનિક લોકોની સમસ્યાઓ અને જરૂરી સુવિધાઓ અંગે જાણકારી મેળવી હતી. ખાસ કરીને ગામડાઓમાં રસ્તા સહિતની પાયાની સુવિધાઓને લગતી સમસ્યાઓ અંગે લોકોએ રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ લોકોની વાતો સાંભળી તેમની મુશ્કેલીઓ સમજવાનો પ્રયાસ કર્યો હતો.






