મુખ્યમંત્રીએ આદિવાસી સ્વતંત્રતા સેનાની ભગવાન બિરસા મુંડાને પુષ્પાંજલિ પાઠવી

દાહોદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જિલ્લાના ત્રણ દિવસીય પ્રવાસે છે. જેના પ્રથમ દિવસે ગરબાડા ખાતે આદિવાસી મહાન સ્વતંત્રતા સેનાની ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.આ મુલાકાત દરમિયાન સ્થાનિક આદિવાસી કલાકારો દ્વારા પારંપરિક નૃત્ય સાથે મુખ્યમંત્રીનું ભવ્ય અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ પણ ઉત્સાહપૂર્વક આદિવાસી કલાકારો સાથે ફોટા પડાવવાની તેમની ઇચ્છા પૂરી કરી હતી અને તેમની સાથે હૂંફાળી વાતચીત કરી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ૧૮થી ૨૦ નવેમ્બર દરમિયાન ગરબાડા તાલુકાના અંતરિયાળ આદિવાસી ગામોની ત્રણ દિવસીય મુલાકાતે છે. આ વિશેષ પ્રવાસનો હેતુ આદિવાસી ગામોના લોકોના દૈનિક જીવન અને પરિસ્થિતિને નજીકથી જાણવાનો તથા તેમની સમસ્યાઓ અને રજૂઆતો સાંભળવાનો છે.

આ ૭૨ કલાકના પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી આદિવાસી પરિવારોના ઘરોમાં સમય વિતાવશે, પારંપરિક ભોજન લેશે, રાત્રે રોકાણ કરશે અને સ્થાનિક ભજન મંડળીઓ દ્વારા રજૂ થતા ભજનો સાંભળશે. આ ઉપરાંત તેઓ ધાનપુર તાલુકામાં જિલ્લા વહીવટી તંત્રના સંબંધિત વિભાગો સાથે વિકાસ કાર્યોની સમીક્ષા પણ કરશે તેમજ આદિવાસી સમુદાયના આસ્થાના પ્રતિક સમાન બાબા ધોડાજા દેવ મંદિરની મુલાકાત લઈ આશીર્વાદ મેળવશે. પ્રવાસના અંતિમ દિવસે તેઓ દાહોદ સ્માર્ટ સિટી ખાતે સરકારી પુસ્તકાલય અને વાચનાલયની મુલાકાત લઈને બાળકો અને યુવાનો સાથે સંવાદ કરશે.