ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ૬૫મા જન્મદિવસે સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવીને લોકકલ્યાણ માટે એક વિશેષ સંકલ્પ લીધો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલા ઐતિહાસિક ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ અંતર્ગત યોજાનારી વિશેષ મહાપૂજા માટે મુખ્યમંત્રીએ વિધિવત નોંધણી કરાવી.
મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (ટ્વિટર) પર આ ભક્તિમય ક્ષણો શેર કરતાં જણાવ્યું હતું કે,
“આજે જન્મદિવસના પાવન અવસરે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના વર્ચ્યુઅલ માધ્યમથી દર્શન કરી મહાપૂજામાં ભાગ લેવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. મંદિર ટ્રસ્ટના પૂજારીશ્રીઓ દ્વારા સોમનાથ મહાદેવનો રુદ્રાભિષેક અને વિશેષ પૂજન સંપન્ન કરવામાં આવ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોન્ચ કરેલ ‘સ્વાભિમાન પર્વ વિશેષ મહાપૂજા’ માટે મેં રજિસ્ટ્રેશન પણ કરાવ્યું છે અને આગામી સમયમાં રૂબરૂ સોમનાથ ધામ જઈ મહાદેવના દર્શન કરવાની મારી મનોકામના છે.”
શું છે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’?
વર્ષ ૨૦૨૬ એ સોમનાથ મંદિરના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થશે. આ વર્ષ:
-
સને ૧૦૨૬માં સોમનાથ મંદિર પર થયેલા ભીષણ આક્રમણના ૧૦૦૦ વર્ષ (૧ સદી) પૂર્ણ થવાનો અવસર છે.
-
સને ૧૯૫૧માં ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયાસોથી થયેલી ભવ્ય પ્રાણ-પ્રતિષ્ઠાના ૭૫ વર્ષ પૂર્ણ થવાનો પર્વ છે.
આક્રમણો સામે અડીખમ રહીને વિજય મેળવવાની આ શૌર્યગાથાને જીવંત રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ‘મિલેનિયલ યજમાન’ અભિયાન અને ‘સોમનાથ પર્વ વિશેષ મહાપૂજા’નો પ્રારંભ કરાવવામાં આવ્યો છે.
“સોમનાથમાં તમે ભારતની અપરાજિત ભાવનાનો અનુભવ કરશો, જેણે દરેક આંચકા છતાં પોતાની ઓળખ અને સંસ્કૃતિને અકબંધ રાખી છે. સોમનાથના કિનારે ઉભા રહીને તમે માત્ર ભક્તિ જ નહીં, પરંતુ એક ક્યારેય ન નાશ પામનારી સભ્યતાની ચેતનાના ધબકારા અનુભવી શકશો.”
— વડાપ્રધાન નરેન્દ્ર મોદી
દિવસભર ચાલતી ભવ્ય પૂજા અને દર્શનનો પ્રશંસનીય કાર્યક્રમ
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ વિશેષ મહાપૂજા શ્રદ્ધાળુઓ માટે આખો દિવસ મહાદેવના સાનિધ્યમાં ભક્તિભાવ સાથે પસાર કરવાની સુવર્ણ તક છે. પૂજાનું સમયપત્રક નીચે મુજબ રહેશે:
-
સવારે ૦૮:૦૦ વાગ્યે: પૂજાના પ્રધાન સંકલ્પ સાથે મંગલ શરૂઆત.
-
સવારે ૦૮:૧૦ થી ૦૮:૩૦: શાસ્ત્રોક્ત વિધિથી ભવ્ય ‘ધ્વજા પૂજા’.
-
સવારે ૦૮:૩૫ થી ૦૮:૫૦: ઢોલ-શરણાઈના મધુર નાદ વચ્ચે ધ્વજાની પરિક્રમા અને ગંગાજળ, દુગ્ધ તથા ધાન્યથી મહાદેવનો વિશેષ અભિષેક.
-
દિવ્ય શૃંગાર: ભગવાન સોમનાથને પવિત્ર ધોતી, ઉપવસ્ત્ર, રુદ્રાક્ષની માળા અને જનોઈ તથા માતા પાર્વતીને સાડી અને અખંડ સૌભાગ્ય શૃંગાર અર્પણ. આ સાથે પ્રભુને ૧૦૦૮ બિલ્વપત્ર અર્પણ કરાશે.
-
સવારે ૦૯:૫૦ થી ૧૦:૦૦: ગૌશાળા ખાતે નંદી/ગૌ પૂજન અને સેવક પૂજન. આ દરમિયાન વિદ્વાન બ્રાહ્મણો દ્વારા ૧૦૦૦ મહામૃત્યુંજય મંત્રના જાપ કરવામાં આવશે.
-
બપોરે ૧૧:૪૫ વાગ્યે: ભગવાન સોમનાથના પરમ તેજોમય રાજભોગ થાળના દર્શન.
-
બપોરે ૧૨:૩૦ વાગ્યે: શ્રી અહલ્યાબાઈ મંદિર ભોજનશાળામાં શાસ્ત્રોક્ત પરંપરા અનુસાર બ્રાહ્મણ ભોજન.
-
સાંજે ૦૬:૧૫ થી ૦૮:૦૦: સંધ્યા આરતી પૂર્વે સમગ્ર મંદિર પરિસરમાં નયનરમ્ય અને દિવ્ય ‘દીપમાળા દર્શન’.
યજમાનો માટે રાજવી સન્માન અને ઓનલાઈન સુવિધા
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ વિશેષ મહાપૂજાના યજમાનો માટે અદભુત વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે:
-
વિશેષ છડી પુકાર: પૂજા દરમિયાન સભામંડપમાં યજમાનના નામની છડી પોકારવામાં આવશે.
-
ચાંદીના થાળમાં પૂજન: ચાંદીના વિશેષ થાળમાં વસ્ત્ર, નૈવેદ્ય અને ધ્વજાજી સુશોભિત કરી પૂજા સંપન્ન કરાશે.
-
ભોજન-નિવાસ સુવિધા: યજમાન પરિવારને સોમનાથના વિશ્વવિખ્યાત ‘સાગર દર્શન અતિથિગૃહ’માં ૦૨ વૈભવી રૂમ, ચા-નાસ્તો અને ભોજનની નિઃશુલ્ક સુવિધા મળશે. ઉપરાંત પૂજા માટે ખાસ ધોતી અને ઉપવસ્ત્ર અર્પણ કરાશે.
-
રેલવે ટ્રાન્સપોર્ટ સુવિધા: વેરાવળ રેલવે સ્ટેશને સવારે ૬ થી ૭ વાગ્યા વચ્ચે ટ્રેન દ્વારા આવતા યજમાનો માટે સોમનાથ મંદિર સુધી પહોંચવા ફ્રી પિકઅપ-ડ્રોપ ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરાઈ છે.
-
ડિજિટલ પૂજા (વર્ચ્યુઅલ સુવિધા): જો કોઈ યજમાન શારીરિક રીતે સોમનાથ ન આવી શકે, તો ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન લિંક મોકલીને લાઈવ ડિજિટલ માધ્યમથી તેમને ઘરે બેઠા પૂજામાં જોડવામાં આવશે.
દેશ અને દુનિયાભરમાંથી શ્રદ્ધાળુઓ આ ઐતિહાસિક સદી મહોત્સવ અંતર્ગત આયોજિત ‘સ્વાભિમાન પર્વ મહાપૂજા’માં ભાગ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે.






