CMના USA પ્રવાસનો ત્રીજો દિવસ : માઇક્રોન, ગૂગલ, પર્પ્લેક્સિટી AI સાથે રોકાણ અંગે બેઠક

ગાંધીનગર : વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027ના પૂર્વે યુનાઇટેડ સ્ટેટ્સ (યુ.એસ.)ના પ્રવાસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉચ્ચસ્તરીય ડેલિગેશન પહોંચ્યું છે. આજે તેમના પ્રવાસનો ત્રીજા દિવસ છે. જેમાં વૈશ્વિક આઇટી અને ટેકનોલોજી દિગ્ગજો સાથે ફળદાયી બેઠકો યોજી હતી. આ દરમિયાન પ્રતિનિધિમંડળે માઇક્રોન (Micron) અને ગૂગલ (Google)ના મુખ્ય મથકોની મુલાકાત લીધી હતી, તેમજ ‘પર્પ્લેક્સિટી AI’ના સી.ઈ.ઓ. અને ‘ધ ઇન્ડસ એન્ટરપ્રિન્યોર્સ’ (TiE)ના સભ્યો સાથે અગત્યની ચર્ચાઓ કરી હતી.

માઇક્રોનનો ગુજરાત સરકારના પ્રો-એક્ટિવ અભિગમ માટે આભાર

માઇક્રોનના ચેરમેન સંજય મહેરોત્રાએ સાણંદ સ્થિત સેમિકન્ડક્ટર ફેસિલિટી માટે માત્ર એક જ દિવસમાં ૨૦ એકર જમીનની મંજૂરી આપવા બદલ મુખ્યમંત્રીનો ખાસ આભાર માન્યો હતો. તેમણે યુનિટના ઝડપી વ્યાપારી ઉત્પાદન માટે રાજ્ય સરકારના ત્વરિત અને સહયોગાત્મક અભિગમને બિરદાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ફેબ્રુઆરી-૨૦૨૬માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સાણંદ માઇક્રોન પ્લાન્ટના પ્રારંભની સ્મૃતિ તાજી કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનના વિઝનરી નેતૃત્વ હેઠળ સાણંદ અને ધોલેરા વૈશ્વિક સેમિકન્ડક્ટર હબ તરીકે ઊભરી રહ્યા છે.

ગૂગલ સાથે AI, કૃષિ અને કૌશલ્ય વિકાસ ક્ષેત્રે ભાગીદારીની ઉત્સુકતા

ગૂગલ મથકની મુલાકાત દરમિયાન વાઇસ પ્રમુખ ચંદુ થોટાએ ગુજરાત સાથે યુવા કૌશલ્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે AI તાલીમ, તેમજ કૃષિ ક્ષેત્રે પાક પેટર્ન, જમીન (Soil) અને ક્લાઇમેટ મોડેલિંગમાં AIના ઉપયોગ માટે કાર્ય કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત ડેટા સિક્યુરિટી અને ગૂગલ વર્કપ્લેસ સોવેરિન AIના ઉપયોગ સંદર્ભે પણ વિસ્તૃત વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.

પર્પ્લેક્સિટી AI અને TiE સાથે ભવિષ્યના રોકાણો અંગે ચર્ચા

મુખ્યમંત્રીએ પર્પ્લેક્સિટી AIના સી.ઈ.ઓ. અરવિંદ શ્રીનિવાસ સાથે વન-ટુ-વન બેઠક યોજી હતી. જેમાં ગુજરાતમાં એન્જિનિયરિંગ અને R&D સેન્ટર સ્થાપવા તેમજ ડેટા સેન્ટર અથવા હાઇબ્રિડ સેટઅપ અંગે સંભાવનાઓ ચકાસવામાં આવી હતી. આ ઉપરાંત સિલિકોન વેલીના અગ્રણી ટેક-સાહસિકોના સંગઠન TiEના પ્રતિનિધિઓ સાથે યોજાયેલી બેઠકમાં હેલ્થકેર ક્ષેત્રે હેલ્થ વર્કર્સની તાલીમ અને વિવિધ AI ટૂલ્સ દ્વારા યુવા કૌશલ્ય વિકાસમાં સહયોગ આપવા મુદ્દે સકારાત્મક ચર્ચા થઈ હતી.આ તમામ બેઠકોમાં રાજ્યના મુખ્ય સચિવ એમ.કે. દાસ સહિત વરિષ્ઠ સચિવો અને પ્રતિનિધિમંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.