ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને લોકશાહીના પર્વનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલી અનુપમા સ્માર્ટ સ્કૂલ (પ્રાથમિક શાળા) ખાતે પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. એક સામાન્ય નાગરિકની જેમ લાઈનમાં ઉભા રહીને મતદાન કરીને તેમણે સૌને લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા પ્રેરિત કર્યા હતા. મુખ્યમંત્રીએ આ તકે જણાવ્યું હતું કે, મજબૂત સ્થાનિક શાસન માટે દરેક મત કિંમતી છે.

બીજી તરફ, દક્ષિણ ગુજરાતના સુરત શહેરમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પીપલોદ વિસ્તારમાં પરિવાર સાથે મતદાન કર્યું હતું. તેમની સાથે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે પણ સુરતમાં પોતાનો વોટ આપ્યો હતો. હર્ષ સંઘવીએ મતદાન બાદ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, વિકાસની ગતિને અવિરત રાખવા માટે જનતાએ વોટિંગ કરવું અત્યંત આવશ્યક છે. સુરત અને અમદાવાદના મતદાન મથકો પર સવારથી જ મતદારોની લાંબી કતારો જોવા મળી હતી.
રાજકોટમાં આજે એક અત્યંત ભાવનાત્મક દ્રશ્ય જોવા મળ્યું હતું. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના દુઃખદ નિધન બાદ આ પ્રથમ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે. વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી જ્યારે રાજકોટમાં મતદાન કરવા પહોંચ્યા ત્યારે પતિની ખોટ વર્તાતા તેઓ ભાવુક થઈ ગયા હતા. તેમને જોઈને ત્યાં હાજર અન્ય મતદારો અને કાર્યકરોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે આજે હજારો ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ રહ્યું છે.


