તામિલનાડુમાં વિજય સરકારના ૧૫૦ દિવસ પૂર્ણ, અનેક કલ્યાણકારી યોજાનાઓની ભેટ આપી

તમિલનાડુ: ફિલ્મ અભિનેતામાંથી રાજનેતા બનેલા સી. જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની ‘તમિળગા વેટ્રી કઝગમ’ (TVK) સરકારના 150 દિવસ પૂર્ણ થયા છે. મુખ્યમંત્રી વિજયે રાજ્યની પરંપરાગત કલ્યાણકારી રાજનીતિના માળખાને જાળવી રાખીને યોજનાઓને આધુનિક રીબ્રાન્ડિંગ અને નવું નામ આપીને પોતાની અલગ રાજકીય ઓળખ બનાવવાનો પ્રયાસ કર્યો છે.

વિજય સરકારે અગાઉની યોજનાઓનો વિસ્તાર કરીને ‘વેટ્રી પયનમ’ (મફત બસ સેવા), ‘થાઇમામન થંગ મોથિરમ’ (સરકારી હોસ્પિટલમાં જન્મતા નવજાત શિશુને 1 ગ્રામ સોનાની વીંટી), ‘વેટ્રી સ્કિલ ટ્રેનિંગ’ અને ‘વેટ્રી હાઉસિંગ’ જેવી યોજનાઓ રજૂ કરી છે. આ ઉપરાંત, શાસનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ વધારવા, રાજ્યના નાણાકીય તંત્ર પર શ્વેતપત્ર (White Paper) બહાર પાડવા અને સરકારી સિંગલ-વિન્ડો ક્લિયરન્સ જેવા પગલાં લેવામાં આવ્યા છે.

રાજકીય પંડિતોના મતે, વિજય સરકારના પ્રથમ 150 દિવસ ઉત્સાહજનક શરૂઆત દર્શાવે છે, પરંતુ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવી, વહીવટી અનુભવનો અભાવ દૂર કરવો અને યોજનાઓ માટે નાણાકીય સ્થિરતા જાળવવી એ તેમની આગામી સમયમાં ખરી કસોટી સાબિત થશે.