દિયા મિર્ઝાના દિવાળી વીડિયો વિવાદને CM દેવેન્દ્ર ફડણવીસે નાનો મુદ્દો ગણાવતા કહ્યું કે ‘કોર્ટમાં કોઈને ફટકાર લગાવવામાં આવી નથી’.

અભિનેત્રી દિયા મિર્ઝાના દિવાળી વીડિયો પર થયેલા વિવાદ અને બોમ્બે હાઈકોર્ટની નારાજગી બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે સમગ્ર વિવાદને નાનો મુદ્દો ગણાવતાં કહ્યું હતું કે, કોર્ટમાં કોઈને ફટકાર લગાવવામાં આવી નથી. માત્ર વીડિયો ફરીથી અપલોડ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે,‘આ બહુ નાનો મામલો છે. કોર્ટમાં ફટકાર લગાવવામાં આવી હોય એવું કંઈ નથી. તેમણે પોતાનો મત વ્યક્ત કર્યો હશે, કારણ કે આ મામલે કોઈ કેસ કોર્ટમાં લઈ ગયું નથી. માત્ર વીડિયો અપલોડ કરવા માટે કહેવામાં આવ્યું છે.’
તેમણે વધુમાં કહ્યું કે, બીએમસીએ વીડિયો ડિલીટ કર્યો હતો. જેનું ટ્વિટર હેન્ડલ છે, તેના અધિકારીઓ વીડિયો ડિલીટ કરે કે ફરીથી અપલોડ કરે તે તેમનો નિર્ણય છે. દિયા મિર્ઝા સારી અભિનેત્રી છે, પરંતુ તે કોઈ મોટી નેતા નથી. અમારી દૃષ્ટિએ આ બહુ નાનો મુદ્દો છે. તેમણે કહ્યું કે, ‘અમને અમારા સ્તરના મહત્ત્વના મુદ્દાઓ પર સવાલ પૂછો, આવા નાના મુદ્દાઓ પર નહીં.’
હાઈકોર્ટે વ્યક્ત કરી હતી નારાજગી
ઉલ્લેખનીય છે કે, બોમ્બે હાઈકોર્ટે મંગળવારે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના પર્યાવરણને અનુકૂળ અને ફટાકડામુક્ત દિવાળી અભિયાન અંતર્ગત અભિનેત્રી દિયા મિર્ઝા દ્વારા બનાવવામાં આવેલા વીડિયો સાથે જોડાયેલા વિવાદ પર નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે આ મામલે ગંભીર અસંતોષ દર્શાવતાં બીએમસીને દિયા મિર્ઝાનો વીડિયો ફરીથી અપલોડ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
જસ્ટિસ ગિરીશ કુલકર્ણી અને જસ્ટિસ નીલા ગોખલેની બેન્ચે કહ્યું હતું કે, પર્યાવરણ અને હવા તથા ધ્વનિ પ્રદૂષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે બનાવવામાં આવેલા વીડિયોને વિવાદનો મુદ્દો બનાવવો દુર્ભાગ્યપૂર્ણ છે. કોર્ટે ખાસ કરીને કેટલાક લોકો અને જનપ્રતિનિધિઓની માનસિકતા સામે નારાજગી વ્યક્ત કરી હતી.
કોર્ટે એમ પણ કહ્યું હતું કે, જાગૃતિ ફેલાવવા માટે બીએમસીએ કોઈ ચોક્કસ સેલિબ્રિટીની પસંદગી કેમ કરી, તે અંગે સવાલ ઉઠાવવાનો અધિકાર કોઈને નથી.
રાજકીય વિરોધ બાદ બીએમસીએ વીડિયો હટાવ્યો હતો
મુંબઈમાં વધતા હવા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને બોમ્બે હાઈકોર્ટના નિર્દેશ બાદ બીએમસીએ નાગરિકોને ફટાકડા ન ફોડવા અને પર્યાવરણને અનુકૂળ દિવાળી ઉજવવાની અપીલ કરી હતી. આ અભિયાન માટે દિયા મિર્ઝા સહિત અનેક જાણીતી હસ્તીઓને સામેલ કરવામાં આવી હતી.
જોકે, દિયા મિર્ઝાના વીડિયો સામે ભાજપના મુંબઈ એકમના અધ્યક્ષ અમિત સાટમ અને મુંબઈનાં મેયર ઋતુ તાવડેએ વાંધો ઉઠાવ્યો હતો. મેયરે આ વીડિયોને ‘હિન્દુ વિરોધી’ ગણાવ્યો હતો. ત્યારબાદ બીએમસીએ સોમવારે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી દિયા મિર્ઝાનો વીડિયો હટાવી દીધો હતો.
ખાસ વાત એ હતી કે, દિયા મિર્ઝાનો વીડિયો હટાવવામાં આવ્યો હોવા છતાં અભિનેત્રી માધુરી દીક્ષિત, નિશિગંધા વાડ અને ક્રિકેટર અજિંક્ય રહાણેના વીડિયો બીએમસીના ‘એક્સ’ અને ‘ઇન્સ્ટાગ્રામ’ એકાઉન્ટ પર યથાવત્ રહ્યા હતા.
હાઈકોર્ટે ફરી વીડિયો અપલોડ કરવાનો આપ્યો આદેશ
હાઈકોર્ટે કહ્યું હતું કે, જાગૃતિ ફેલાવવા માટે જાણીતી હસ્તીઓની પસંદગી કરવાનો બીએમસી કમિશનરનો નિર્ણય યોગ્ય હતો. આ હોવા છતાં બિનજરૂરી વિવાદ ઊભો કરવામાં આવ્યો તે દુર્ભાગ્યપૂર્ણ છે.
કોર્ટે વધુમાં કહ્યું હતું કે, ધર્મ, જાતિ કે સંપ્રદાય ગમે તે હોય, દરેક વ્યક્તિનું સન્માન થવું જોઈએ. બંધારણ પણ નાગરિકો પાસેથી બિનસાંપ્રદાયિક ભાવનાને પ્રોત્સાહન આપવાની અપેક્ષા રાખે છે. આ સાથે કોર્ટે બીએમસીને દિયા મિર્ઝાનો હટાવવામાં આવેલો વીડિયો ફરીથી અપલોડ કરવાનો નિર્દેશ આપ્યો હતો.




