મુખ્યમંત્રીએ GRITની નવી કચેરીનું ઉદઘાટન-વેબસાઈટનું લોન્ચિંગ કર્યું

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ગ્રીટ’ની નવનિર્મિત કચેરીનું શનિવારે ઉદઘાટન કર્યું હતું. તેમણે મુખ્ય સચિવ પંકજ જોશીની ઉપસ્થિતિમાં ‘ગ્રીટ’ની વેબસાઈટ તેમજ ડિજિટલ ડેશબોર્ડના લોન્ચિંગ અને ‘ગ્રીટ’ દ્વારા ઊંડાણપૂર્વક તૈયાર કરાયેલા પોલીસી પેપર્સ, વર્કશોપ અહેવાલો અને સેક્ટર સ્પેસિફિક ડીપ ડાઇવ સ્ટડી રિપોર્ટ્સનું અનાવરણ કર્યુ હતું. રાજ્યની વિકાસ વ્યૂહરચનાઓના નેતૃત્વ માટે થીંક ટેન્ક તરીકે કાર્ય કરવાના હેતુસર ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન-GRITની રચના કરવામાં આવેલી છે. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે, “ગુજરાત જે સેક્ટર્સમાં આગળ છે તેને વધુ ગતિએ અગ્રેસર બનાવવામાં તેમજ અન્ય જરૂરિયાતવાળા સેક્ટરમાં વધુ આગળ વધવા માટેના આયોજનબદ્ધ સુઝાવો માટે ‘ગ્રીટ’ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે તેમ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતના આપેલા સંકલ્પમાં ‘ગ્રીટ’ જેવા ઇન્સ્ટિટ્યૂટના સૂચનો-ભલામણો માર્ગદર્શક બનશે.” આ વેબસાઈટ પર ‘ગ્રીટ’નું વિઝન અને મિશન, ગવર્નિંગ બોડી અને ‘ગ્રીટ’ના કાર્યોની વિગતો, નીતિવિષયક પેપર, સંશોધન અહેવાલ, ઇકોનોમિક માસ્ટર પ્લાન્ટ અન્વયેના પ્રોજેક્ટ્સની વિગતો વગેરે ઉપલબ્ધ કરાવવામાં આવશે. ‘ગ્રીટ’નું ડિજિટલ ડેશબોર્ડ રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા હાથ ધરવામાં આવતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની નિયમિત સમીક્ષા માટે કાર્યરત કરવામાં આવ્યું છે.