કોલકાતાઃ પશ્ચિમ બંગાળનાં CM મમતા બેનરજીએ ચૂંટણી પંચ અને SIR પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે SIR પછી જ્યારે મતદાર યાદીનો ડ્રાફ્ટ જાહેર થશે, ત્યારે લોકોને ચૂંટણી પંચ અને ભાજપ દ્વારા ઊભી કરાયેલી આપત્તિનો અનુભવ થશે. તેમણે તાજેતરમાં થયેલા બિહાર ચૂંટણીનાં પરિણામોને લઈને પણ અનેક આક્ષેપ કર્યા હતા.
ભારતમાં ભાજપનો પાયો હલાવી દઈશ: CM મમતા
CM મમતા બેનર્જીએ પડકાર આપતાં કહ્યું હતું કે જો ભાજપ બંગાળમાં મને નુકસાન પહોંચાડવાની કોશિશ કરશે તો હું આખા ભારતમાં તેનો પાયો હલાવી નાખીશ. તેમણે કહ્યું હતું કે બિહાર ચૂંટણીનું પરિણામ SIRનું પરિણામ છે, વિરોધ પક્ષ ત્યાં ભાજપની ચાલ સમજી ન શક્યો. જો SIR બે-ત્રણ વર્ષોમાં કરવામાં આવે તો અમે આ પ્રક્રિયાને સંપૂર્ણ સંસાધનો સાથે સમર્થન આપીશું.
ચૂંટણી પંચ નિષ્પક્ષ સંસ્થા નથી: મમતા
મમતાએ સવાલ કર્યો હતો કે શું ભાજપ શાસિત રાજ્યોમાં SIRનું આયોજન કરવું એ બતાવે છે કે કેન્દ્ર માને છે કે ત્યાં ઘૂસણખોરો છે? SIR વિરોધ રેલીમાં તેમણે કહ્યું હતું કે ચૂંટણી પંચ હવે નિષ્પક્ષ સંસ્થા રહી નથી, એ ભાજપ કમિશન બની ગયું છે. ભાજપ રાજકીય રીતે મારો સામનો કરી શકતી નથી અને ન તો મને હરાવી શકે છે.
UP–MPમાં SIR શા માટે નથી: CM
તેમણે સવાલ કર્યો હતો કે જો SIRનો હેતુ બાંગ્લાદેશી નાગરિકોને મતદાર યાદીમાંથી દૂર કરવો છે તો ચૂંટણી પંચ મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં આ પ્રક્રિયા શા માટે નથી કરતો?
હું બાંગ્લાદેશને એક દેશ તરીકે પ્રેમ કરું છું કેમ કે અમારી ભાષા એક જ છે. હું બીરભૂમમાં જન્મી, નહીતર મને પણ બાંગ્લાદેશી કહેવામાં આવી હોત, એમ તેમણે કહ્યું હતું.
ઘૂસણખોરીને લઈને મમતાનો કેન્દ્રને સવાલ
‘જો રોહિંગ્યા ઘૂસે છે તો તેઓ ક્યાંથી ઘૂસે છે? બોર્ડરનું સંચાલન કોણ કરે છે? બોર્ડરનું સંચાલન કેન્દ્ર કરે છે. CISF એરપોર્ટની દેખભાળ કરે છે. કસ્ટમ વિભાગ પણ કેન્દ્ર ચલાવે છે. નેપાલ બોર્ડર કોણ સંભાળે છે? અમે આ (ઘૂસણખોરી) કેવી રીતે કરાવી દીધી? બંગાળ કબજે કરવાની કોશિશમાં ભાજપ આગામી ચૂંટણીમાં ગુજરાતમાં હારી જશે, એમ તેમણે કહ્યું હતું.




