CM નીતીશે મુસ્લિમ ટોપી પહેરવાથી કર્યો ઇનકાર?

પટના: બિહારના CM નીતીશકુમારનો એક વિડિયો સોશિયલ મિડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં તેઓ પોતાના મંત્રી જમા ખાનને ટોપી પહેરાવતા દેખાઈ રહ્યા છે. આ વિડિયો અંગે કહેવામાં આવી રહ્યું છે કે નીતીશકુમારે ટોપી પહેરવાથી ઇનકાર કર્યો છે.

જોકે કેટલાક લોકોનું કહેવું છે કે CM નીતીશે ટોપી પહેરવાથી ઇનકાર કર્યો નહોતો, તેમણે ટોપી ઉઠાવીને પોતાના મંત્રીને પહેરાવી દીધી હતી. CM નીતીશકુમાર પહેલેથી આવું કરતા રહ્યા છે. અનેક વખત જ્યારે તેમને કોઈ માળા પહેરાવવાની કોશિશ કરાતી હોય તો તે જ માળા તેઓ તેને જ પહેરાવી દેતા. જાહેર મંચ પર તેમના આવા અનેક ફોટા પણ સામે આવી ચૂક્યા છે. હવે આ વિડિયોને લઈને રાજકારણ પણ શરૂ થયું છે.

આ વિડિયોને લઈને RJDના નેતા મૃત્યુજંય તિવારીએ કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે નીતીશકુમાર સંપૂર્ણપણે સચેત છે. તેઓ પહેલે કહેતાં કે ટોપી પણ પહેરવી છે અને તિલક પણ લગાવવું છે. જ્યારે તેઓ સીતામઢી ગયા ત્યારે તેમણે મંદિરમાં તિલક લગાવવા પણ ઇનકાર કર્યો હતો. હવે તેમણે ટોપી પહેરવાથી મનાઈ કરી દીધી છે.

CM નીતીશકુમાર મદરેસા બોર્ડની 100મી વર્ષગાંઠના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો હાજર હતા. એ દરમિયાન આ ઘટના બની. આ કાર્યક્રમને સંબોધિત કરતાં CM નીતીશકુમારે કહ્યું હતું કે પહેલા સરકારમાં કોઈ કામ થતું નહોતું. 2005 પહેલાં મુસ્લિમોની હાલત તો વધુ ખરાબ હતી. અમારી સરકાર આવી ત્યારે અમે કબ્રસ્તાનની ઘેરાબંધી કરાવી. અમારી સરકારે મદરેસાના શિક્ષકોને સરકારી શિક્ષક જેટલું વેતન આપવાનું શરૂ કર્યું. અમે પહેલીવાર સમાન વેતનની શરૂઆત કરી.