CM નીતીશકુમારનું 125 યુનિટ વીજળી મફત આપવાનું એલાન

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં CM નીતીશકુમારે જાહેરાત કરી છે કે પાત્ર પરિવારોને 125 યુનિટ વીજળી મફતમાં આપવામાં આવશે. આ યોજના હેઠળ રાજ્યભરના લગભગ 1.67 કરોડ પરિવારોને લાભ મળશે. 1 ઓગસ્ટ 2025થી એટલે કે જુલાઈના બિલથી રાજ્યના તમામ ઘરેલુ વપરાશકર્તાઓને 125 યુનિટ સુધી વીજળી માટે કોઈ પણ પૈસા ચૂકવવા નહીં પડે.

CM નીતીશકુમારે X પર લખ્યું હતું  કે અમે શરૂઆતથી જ સસ્તા દરે બધા માટે વીજળી ઉપલબ્ધ કરાવીએ છીએ. હવે અમે નક્કી કર્યું છે કે 1 ઓગસ્ટ 2025થી એટલે કે જુલાઈહિનાના બિલથી રાજ્યના તમામ ઘરેલુ ગ્રાહકો માટે 125 યુનિટ સુધીની વીજળી મફતમાં આપવામાં આવશે. અમે એ પણ નક્કી કર્યું છે કે આગામી ત્રણ વર્ષોમાં આ તમામ ઘરેલુ વપરાશકર્તાઓની સંમતિ લઇને તેમના ઘરની છત પર અથવા નજીકના જાહેર સ્થળે સૌર ઊર્જા પ્લાન્ટ લગાવવામાં આવશે.

CMએ વધુમાં લખ્યું હતું કે કુટિર જ્યોતિ યોજના અંતર્ગત અત્યંત ગરીબ પરિવારો માટે સોલાર એનર્જી પ્લાન્ટ લગાવવાનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે અને બાકીના માટે પણ યોગ્ય સહાય આપવામાં આવશે. હવે ઘેરેલા વપરાશકર્તાઓ માટે 125 યુનિટ સુધી વિજળીનો કોઈ ખર્ચ નહીં રહે અને આગામી ત્રણ વર્ષમાં રાજ્યમાં અંદાજે 10,000 મેગાવોટ સુધીની સોલાર ઊર્જા ઉપલબ્ધ થઇ શકે છે.

RJDના નેતા શક્તિ સિંહ યાદવે CM નીતીશકુમારની 125 યુનિટ મફત વીજળીની જાહેરાત પર કહ્યું હતું કે તેજસ્વી યાદવ જેવા વિપક્ષના નેતા હોય તો નીતીશ કુમારને જરૂર વળગી જવું પડે. આનું શ્રેય તેજસ્વી યાદવને જ આપવું જોઈએ.