હિન્દુ દેવી-દેવતાઓ અંગે CM રેવંત રેડ્ડીની ટિપ્પણીથી વિવાદ

હૈદરાબાદઃ  તેલંગાણાના મુખ્ય મંત્રી રેવંત રેડ્ડીએ હૈદરાબાદ સ્થિત ગાંધી ભવનમાં તેલંગાણા કોંગ્રેસ સમિતિની કાર્યકારિણી બેઠકને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે પાર્ટીના આંતરિક વૈવિધ્ય પર પ્રકાશ પાડ્યો અને હિંદુ ધર્મની સાથે તેની તુલના કરી. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ દરેક પ્રકારના લોકોને સાથે લઈને ચાલે છે. કોઈ કહે છે કે તે ભગવાન વેંકટેશ્વરની પૂજા કરશે, બીજો કહે છે કે તે હનુમાનજીની પૂજા કરશે. જ્યારે આપણે દેવતાઓ પર સહમતી બનાવી શક્યા નહીં, ત્યારે મને લાગતું નથી કે આપણે રાજકીય નેતાઓ અને ડીસીસી અધ્યક્ષોને લઈને પણ સહમતી બનાવી શકીશું.

તેમણે વધુમાં કહ્યું હતું કે હિંદુ ધર્મમાં કેટલા દેવતાઓ છે? કેટલા દેવતાઓ છે? ત્રણ કરોડ? કેમ? જે અવિવાહિત છે, તેમના માટે ભગવાન હનુમાન છે. જે બે વાર લગ્ન કરે છે, તેમના માટે એક બીજા દેવ છે. જે દારૂ પીએ છે, તેમના માટે અન્ય ભગવાન છે. યેલ્લમ્મા, પોચમ્મા, મૈસમ્મા. જે ચિકન માગે છે, તેમના માટે એક ભગવાન છે, અને જે દાળ-ભાત ખાય છે, તેમના માટે બીજા ભગવાન છે, બરાબર? બધા પ્રકારના દેવ છે.

ભાજપના નેતાઓએ કરી ટીકા

કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડી અને બંદી સંજય કુમાર સહિત તેલંગાણા ભાજપના નેતાઓએ આ નિવેદનની આલોચના કરી હતી. કિશન રેડ્ડીએ એક નિવેદનમાં કહ્યું હતું કે મુખ્ય મંત્રીએ તાજેતરમાં જ જ્યુબિલી હિલ્સની પેટા-ચૂંટણી પ્રચારમાં કહ્યું હતું કે કોંગ્રેસ એટલે મુસ્લિમ અને મુસ્લિમ એટલે કોંગ્રેસ.


તેમણે કહ્યું હતું કે એવું લાગે છે કે AIMIM સાથેની મિત્રતાને કારણે મુખ્ય મંત્રી હિંદુઓ અને હિંદુ દેવી-દેવતાઓ વિશે અહંકારીયુક્ત ટિપ્પણીઓ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે હવે તેલંગાણામાં પણ હિંદુઓએ એક થવાનો સમય આવી ગયો છે. રેવંત રેડ્ડી અને કોંગ્રેસ પાર્ટીને હિંદુઓની શક્તિ બતાવવાનો સમય આવી ગયો છે.