ચેન્નઈઃ તામિલનાડુના મુખ્ય મંત્રી સી. જોસેફ વિજયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ‘વિકસિત ભારત–ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ)’ (VB-GRAMG) યોજનાના અમલીકરણનો વિરોધ નોંધાવ્યો છે. તેમણે તાજેતરમાં શરૂ કરાયેલી આ યોજનામાં મહત્વપૂર્ણ ફેરફારો કરવાની માગ કરી છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે જો હાલના સ્વરૂપમાં આ યોજના અમલમાં મૂકવામાં આવશે તો તામિલનાડુ સરકાર પર રૂ. 5000 કરોડથી વધુનો વધારાનો નાણાકીય બોજ પડશે.
તેમણે કેન્દ્ર સરકારને યોજનાની ફંડિંગ વ્યવસ્થા અને અમલીકરણ સંબંધિત માર્ગદર્શિકાઓની ફરી સમીક્ષા કરવા વિનંતી કરી છે. તેમના જણાવ્યા મુજબ હાલની જોગવાઈઓને કારણે ગ્રામીણ રોજગાર તેમ જ રાજ્યની વિવિધ કલ્યાણકારી યોજનાઓ પર પ્રતિકૂળ અસર પડી શકે છે.
રૂ. 5000 કરોડથી વધુના વધારાના બોજની ચિંતા
તેમણે પત્રમાં જણાવ્યું છે કે હું વિકસિત ભારત–ગારંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) (VB-GRAMG) યોજનાના અમલીકરણ અંગે તમને લખી રહ્યો છું. આ યોજનાના નવા ફંડિંગ મોડલ અને કડક અમલીકરણ સંબંધિત જોગવાઈઓને કારણે રાજ્ય સરકાર પર રૂ 5000 કરોડથી વધુનો વધારાનો નાણાકીય બોજ પડશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો VB-GRAMG અધિનિયમ, 2025ની કેટલીક જોગવાઈઓમાં કેન્દ્ર સરકાર ફેરફાર નહીં કરે તો આ યોજનાનો અસરકારક અને સુચારુ અમલ મુશ્કેલ બનશે. તેમણે ચેતવણી આપી હતી કે તેનો સૌથી વધુ ફટકો એવા ગ્રામીણ પરિવારોને પડશે, જેઓ પોતાની આજીવિકા માટે ગ્રામીણ રોજગાર યોજનાઓ પર નિર્ભર છે.

ફંડિંગના જૂના મોડલને ફરી અમલમાં મૂકવાની માગ
તેમણે પત્રમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના જૂના ફંડિંગ મોડલને ફરીથી લાગુ કરવાની માગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે નવી VB-GRAMG યોજના હેઠળ મજૂરી, બાંધકામ સામગ્રી અને વહીવટી ખર્ચ માટે 60:40ના કેન્દ્ર-રાજ્ય ખર્ચ વહેંચણીનીં જોગવાઈ કરવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ આ વ્યવસ્થા છેલ્લા લગભગ બે દાયકાથી અમલમાં રહેલી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા)ની ફંડિંગ પદ્ધતિથી સંપૂર્ણપણે અલગ છે.
તેમણે પત્રમાં લખ્યું છે કે મનરેગા છેલ્લાં 20 વર્ષથી અલગ ફંડિંગ માળખા હેઠળ સફળતાપૂર્વક અમલમાં રહી છે. આવી સ્થિતિમાં અચાનક કરવામાં આવેલો આ ફેરફાર રાજ્યના ખજાના પર અસહ્ય નાણાકીય બોજ ઊભો કરશે. તેને કારણે ગ્રામીણ લોકોને મળતા રોજગારના દિવસોમાં ઘટાડો થઈ શકે છે અથવા રાજ્યની અન્ય મહત્વપૂર્ણ કલ્યાણકારી યોજનાઓ પર અસર પડી શકે છે.




